મિલાન (ઇટલી)ઃ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આનું કારણ એ છે કે ડિઝાઇન ભારતના પરંપરાગત કોલ્હાપુરી ચંપલની ડિટ્ટો નકલ હતી. એટલું જ નહીં, પ્રાડાએ તેને કોઈ પણ ઐતિહાસિક કે સાંસ્કૃતિક સંદર્ભ આપ્યા વગર માત્ર ‘લેધર સેન્ડલ’ તરીકે રજૂ કર્યા હતા. આ સેન્ડલની કિંમત આશરે રૂ. 1.16 લાખ રખાઈ છે પરંતુ સમગ્ર પ્રેઝન્ટેશનમાં ક્યાંય ભારત, મહારાષ્ટ્ર, કોલ્હાપુર કે તેના કારીગરોનો નામોલ્લેખવામાં નહોતા. આનાથી સોશિયલ મીડિયા પર ભારતીય દર્શકોએ પ્રાડાની ઝાટકણી કાઢી હતી.
કોલ્હાપુરી ચંપલ શું છે?
કોલ્હાપુરી ચંપલ મહારાષ્ટ્રના એક પરંપરાગત પગરખાં છે. તે ભારતમાં સૌથી જૂના અને સૌથી પ્રખ્યાત હાથથી બનાવેલા ચામડાના ફૂટવેર શૈલીઓમાંના એક છે. ખાસ ટો-લૂપ ડિઝાઇન, હાથથી કરેલી સિલાઈ અને સ્થાનિક કારીગરી તેની વિશેષ ઓળખ છે. ભારત સરકારે તેને જીઆઈ ટેગ પણ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ ઉઠાવ્યા
ફેશન એનાલિસ્ટસે તેને સાંસ્કૃતિક ચોરી ગણાવી છે. એક્સ, ઈન્સ્ટાગ્રામ અને રેડિટ પર યુઝર્સે પ્રાડા પર તડાપીટ બોલાવતાં લખ્યું હતુંઃ અમને ગર્વ છે કે ભારતીય ડિઝાઇન વિશ્વ સ્તરે પહોંચી ગઈ છે. પરંતુ એ દુઃખદ છે કે આપણા ભારતીય કારીગરોને તેનો શ્રેય મળ્યો નથી. તો વળી કેટલાક યુઝર્સે પ્રાડાને એમ પણ પૂછ્યું હતું કે શું તેઓ કોલ્હાપુરના કારીગરોને તેની કમાણીનો કોઈ હિસ્સો કે રોયલ્ટી આપશે ખરા?