ફાન્સમાં ફરી આતંકી હુમલાઃ ૩ની હત્યા

Tuesday 03rd November 2020 15:11 EST
 
 

પેરિસ: ફ્રાન્સમાં ૨૯મી ઓક્ટોબરે બે અલગ અલગ આતંકી હુમલા થયા હતા. પ્રથમ હુમલો દક્ષિણ શહેર નીસના નોત્રે ડેમ કેથેડ્રલ ચર્ચમાં થયો હતો. અહીં ૨૦ વર્ષીય હુમલાખોર બ્રિહિમે ચર્ચમાં પ્રાર્થના કરી રહેલા લોકો પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. તેમાં એક મહિલા સહિત ૩ મૃત્યુ પામ્યા અને અનેક ઘવાયા હતા. હુમલાખોરે એક વૃદ્ધ મહિલા અને એક ચર્ચ વોર્ડનનું માથું વાઢી નાખ્યું હતું. આ દરમિયાન તે ‘અલ્લાહુ અકબર’ પોકારી રહ્યો હતો. હુમલાખોરને પોલીસે ગોળી મારી ઘાયલ કરી કસ્ટડીમાં લઇ લીધો હતો. આ હુમલાના આશરે બે કલાક બાદ જ બીજો હુમલો એવિગ્નોનમાં થયો હતો.
હથિયારોથી સજ્જ હુમલાખોરે પોલીસ જવાનોને અલ્લાહુ અકબર પોકારતાં નિશાન બનાવ્યા હતા. પોલીસે તેને ગોળી મારતાં તે મૃત્યુ પામ્યો હતો. જ્યારે સાઉદી અરબના જિદ્દાહમાં આવેલા ફ્રાન્સના વાણિજ્ય દૂતાવાસમાં એક વ્યક્તિએ ગાર્ડ પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગાર્ડ ઘવાયો હતો. સાઉદીએ પ્રેસ એજન્સીએ જણાવ્યું કે અત્યાર સુધી હુમલાઓ ઉદ્દેશ્ય જાણી શકાયો નથી. નીસના મેયર ક્રિશ્વિન એસ્ટ્રોસીએ તેને આંતકી હુમલો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૫ જાન્યુઆરીએ શાર્લી હેબ્દો પર હુમલા બાદથી જ ફ્રાન્સ આતંકી હુમલા અંગે એલર્ટ પર છે. ફ્રાન્સમાં ૨૦૧૫ બાદની આંતકી હુમલામાં ૨૫૦થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલી નવેમ્બરે ધર્મને આતંકવાદની સાથે સાંકળી દેવાના કારણસર ટીકાનો સામનો કરી રહેલા ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોને કહ્યું હતું કે, પયગમ્બર સાહેબનું કાર્ટૂન સ્કૂલનાં બાળકોને બતાવનાર શિક્ષકની ગળું કાપી હત્યા કરી દેવાઈ હતી. હું મુસ્લિમોની લાગણીને સમજી શકું છું. હું સમજી શકું છું કે વિવાદિત કાર્ટૂનને કારણે મુસ્લિમો દુભાયા છે, પરંતુ તે કાર્ટૂનની પ્રતિક્રિયામાં હિંસા આચરવામાં આવે તે ન સહી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter