ફિજીમાં વાવાઝોડાથી ૨૧નાં મૃત્યુ

Wednesday 24th February 2016 08:01 EST
 
 

સુવાઃ ફિજીમાં આવેલા વિન્સ્ટન વાવાઝોડાના કારણે ૨૦મી ફેબ્રુઆરીએ રાતે ફિજીમાં તબાહી મચી ગઈ હતી અને ફીજીમાં મોટાપાયે વિનાશ વેરાયો છે. વાવાઝોડું અને ભૂકંપની પરિસ્થિતિ સર્જાતાં જ વિદેશી પર્યટકોએ અહીંથી ભાગવાનું શરૂ કરી દીધું હતું. આ વાવાઝોડાએ અત્યાર સુધીમાં ૨૧ લોકોનો ભોગ લીધો છે અને ઘાયલોનો ચોક્કસ આંકડો હજી જાણી શકાયો નથી.
સરકારી ફિજી બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (એફબીસી)એ સોમવારે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું હતું કે, ફિજીના પશ્વિમ ડિવિઝનના પ્લાનિંગ અધિકારી સિટીવેની ટવાગાના અનુસાર મૃત્યુ પામનારા સાત લોકો રા પ્રાંત, એક લૌતોકા સિટી અને એક પર્યટન સ્થળ નાડીથી છે. આ સિવાયના લોકો ક્યાંથી છે તેની તપાસ હજી જારી છે. ટવાગાએ એફબીસીથી પુષ્ટિ કરી હતી કે યસવાસ દ્વીપસમૂહના સાત માછીમારો સમુદ્રમાં ગુમ છે. આ માછીમારો શુક્રવારે સમુદ્રમાં ગયા હતા અને ત્યારબાદથી તેમનો કોઇ અતોપતો નથી.
આ વિનાશક વાવાઝોડા બાદ ફિજીની સેનાએ બચાવ અને રાહતકાર્ય આરંભી દીધું છે. વિન્સ્ટનને દક્ષિણ ગોળાર્ધનું અત્યાર સુધીનું સૌથી વિનાશકારી વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે. ફિજીના દરિયાકાંઠે આવેલા આ વાવાઝોડાથી વરસાદની સાથે-સાથે ૩૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા લાગ્યો હતો. વાવાઝોડા બાદ ફિજીએ ૩૦ દિવસ માટે કુદરતી આફત જાહેર કરી દીધી છે. ચક્રવાત દરમિયાન લગાવવામાં
આવેલા કરફ્યુને જોકે સોમવારે હટાવી લેવામાં આવ્યો હતો, છતાં તંત્ર દ્વારા તાકીદ હતી કે દરિયાકિનારે સહેલાણીઓનું જવું હિતાવહ નથી. આ વાવાઝોડાથી ડરેલા વિદેશી પર્યટકો પોત-પોતાના દેશ પરત ફરવા લાગ્યાં છે, જોકે પર્યટન પ્રધાન ફૈયાઝ સિદ્દીકીએ તમામ પર્યટકો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter