લંડનઃ કુવૈતમાં ઘરેલુ કામકાજ કરતી ફિલિપાઈન્સની ૨૯ વર્ષીય મહિલા જોહાના ડેમાફેલીસનો મૃતદેહ વિકૃત હાલતમાં ફ્રિઝરમાંથી મળી આવ્યા બાદ ફિલિપાઈન્સે તેના નાગરિકો પર કુવૈત નોકરી કરવા જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કુવૈતમાં કામ કરતા ૨૬૦,૦૦૦ ફિલિપીનોમાંથી ૧૭૦,૦૦૦ ડોમેસ્ટિક વર્કર તરીકે કામ કરે છે. ફિલિપાઈન્સના પ્રમુખ ડુટાર્ટે દાવો કર્યો હતો કે ગયા વર્ષે ૧૨૦ લોકોનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું.
પ્રમુખ ડુડાર્ટે જણાવ્યું હતું,‘ આ વાત મારા માન્યામાં નથી આવતી. અમારા વર્કરો સાથે આવા અમાનવીય વ્યવહારનો ક્યારે અંત આવશે ? તેમને થતી દરેક ગેરકાયદેસર ઈજા મને થતી ઈજા છે. તેમના પર થતો અત્યાચાર અમારા દેશ પરનો અત્યાચાર છે. કુવૈત છોડવા માગતા નાગરિકને પાછા લાવવાનું સરકારે વચન આપ્યું છે. ૩૭૭ ફિલિપીનો મનીલા આવી પહોંચ્યા હતા અને અન્ય ૨,૫૦૦ થોડાક દિવસમાં પરત ફરશે.
ડેમાફેલીસ ૨૦૧૪માં નાણાં કમાઈને ઘરે મોકલવા માટે કુવૈત ગઈ હતી. ગયા ફેબ્રુઆરી સુધી તે અવારનવાર સંપર્કમાં હતી. પછી ઓવરસીઝ વર્કર્સ વેલ્ફેર એસોસિએશન (OWWA) એ તપાસ કરી તો જે રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા તે કુવૈત ગઈ હતી તે બંધ થઈ ગઈ હતી. તાજેતરમાં તેનો મૃતદેહ એક અવાવરુ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. તેની હત્યા ગળું દબાવીને કરાઈ હોવાનું મનાય છે. તેનો માલિક તેની સીરિયન પત્ની સાથે લેબેનોન પાછો જતો રહ્યો છે. ફિલિપીન્સ લેબર ડિપાર્ટમેન્ટ મુજબ કુવૈતમાં અન્ય સાત ફિલિપીનોના મૃત્યુની તપાસ ચાલી રહી છે.