ફ્રાન્સમાં પેટ્રોલ મોંઘુ થતાં લાખો દેખાવકારો રસ્તે ઉતરી આવ્યા

Wednesday 05th December 2018 06:19 EST
 
 

પેરિસ: ફ્રાન્સમાં પેટ્રોલ મોંઘું થતાં લાખો દેખાવકારો સરકાર વિરુદ્ધ રસ્તે ઉતરી આવ્યા હતા. પહેલી અને બીજી ડિસેમ્બરે દેખાવો તીવ્ર બન્યા હતા. પ્રદર્શન દરમિયાન ૧૩૩ લોકો ઘાયલ થયા હતા ઘાયલોમાં ૨૩ સુરક્ષાકર્મીનો સમાવેશ થાય છે. પોલીસે ૪૧૨ લોકોની ધરપકડ કરી છે. દેખાવકારોએ ૬ ઇમારતો અને ડઝનથી વધુ ગાડીઓને આગ લગાડી હતી. પેરિસમાં આશરે ૨૦૦ સ્થળોએ આગચંપીની ઘટના બની હતી. દેખાવકારોએ ચક્કાજામ કર્યો હતો. ફ્રાન્સમાં ૫૦ વર્ષનો સૌથી મોટ લોકજુવાળ છે.
અગાઉ ૧૯૬૮માં સિવિલ વોર વખતે ફ્રાન્સ આવી રીતે ભડકે બળ્યું હતું ગૃહ પ્રધાન ક્રિસ્ટોફ કેસ્ટનરે કહ્યું કે ૧૫૦૦ દેખાવકારોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકોમાં ઘૂસી જઈ હિંસા ભડકાવી હતી. સરકારે દાવો કર્યો છે કે આ વખતે આશરે ૭૫ હજાર લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ સંખ્યા ગત વર્ષ કરતાં અડધી છે, પરંતુ બીજી બાજુ એવું કહેવાય છે કે એક લાખ છ હજાર લોકો બે દિવસમાં પ્રદર્શનમાં જોડાયા હતા. સરકારે વધુમાં કહ્યું કે જો હાલત નહીં સુધરે તો દેશમાં ઇમરર્જન્સી લાગુ કરવામાં આવશે. સરકાર તેના પર ગંભીરતાથી વિચારી રહી છે.
પોલીસે હિંસાના વીડિયો પણ જારી કર્યાં છે જેમાં દેખાવકારો પોલીસ વાહનોને નિશાન બનાવતા અને કાચ તોડતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં વાહનો ભડકે બળતાં દેખાય છે અને પોલીસ દેખાવકારો પર ટિયરગેસના સેલ છોડી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter