બ્રાતિસ્ત્રાવાઃ સ્લોવેકિયન કંપની કલેઈન વિઝને ઉડતી કાર કરી છે અને હવે આ કાર રસ્તા પર દોડવા માટે, આકાશમાં ઉડવા માટે તૈયાર છે. બે સીટ ધરાવતી આ એરકાર દુનિયાની પ્રથમ સર્ટિફાઇડ ફ્લાઇંગ કાર છે. તાજેતરની એક પ્રેસ રિલીઝમાં, ફ્લાઇંગ કાર ઉત્પાદક કંપની ક્લેઈન વિઝને જાહેરાત કરી છે કે આ કાર 2026 ની શરૂઆતમાં વેચાણ માટે સત્તાવાર રીતે ઉપલબ્ધ થશે. તેના સ્થાપકો કહે છે કે તે 75 વર્ષમાં બજારમાં આવનારી આ પહેલી ઉડતી કાર હશે. તે એક ચાર્જીંગમાં 1000 કિમી ઉડી શકશે. જ્યારે જમીન પર તેની રેન્જ લગભગ 800 કિમી રહેશે.
કંપનીના જણાવ્યા અનુસાર એરકારની કિંમત 8થી 10 લાખ ડોલર (રૂ. 6.8 કરોડથી રૂ. 8.5 કરોડ) વચ્ચે હોઈ શકે છે. નોંધનીય છે કે લેમ્બોર્ગિનીની હાઇપર કાર આ કિંમતે આવે છે. આ એરકારનું વજન ફક્ત 800 કિલો છે. કાર મોડમાં તેનું મોડેલ બે મીટર પહોળું, 5.8 મીટર લાંબું અને 1.8 મીટર ઊંચું હશે. જ્યારે પાંખોના ફેલાવા સાથે, તેની પહોળાઈ 8.2 મીટર અને લંબાઈ લગભગ 7 મીટર હશે.