બર્ડમેન રોજર્સઃ ઘાયલ-નિઃસહાય પક્ષીઓનો તારણહાર...!

Wednesday 25th March 2026 05:47 EDT
 
 

નૈરોબીઃ કેન્યાની રાજધાની નૈરોબીની વ્યસ્ત શેરીઓમાં ક્યારેક એવો એવો યુવાન જોવા મળી જાય છે, જેના ખભા અને માથા પર શિકારી પક્ષીઓ શાંતિથી બેઠેલા હોય છે. આ છે 27 વર્ષીય રોજર્સ ઓલુ માગુટા આખા દેશમાં ‘નૈરોબી બર્ડમેન’ તરીકે પ્રખ્યાત થયા છે. પોતે બેઘર હોવા છતાં, રોજર્સ પોતાનું જીવન ઘાયલ પક્ષીઓની સેવા અને સંભાળ પાછળ સમર્પિત કરી રહ્યા છે.
રોજર્સનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ બાળપણથી જ હતો, પરંતુ પાંચ વર્ષ પહેલાં એક ઘટનાએ તેનું જીવન બદલી નાખ્યું. નૈરોબીની ફૂટપાથ પર જ્યારે તે ભોજન કરી રહ્યો હતો, ત્યારે એક ઘાયલ સમડીનું બચ્ચું તેની પાસે આવી પડયું. રોજર્સે પોતાના ભોજનમાંથી તેને હિસ્સો આપ્યો અને તેની સારવાર કરી. આ પક્ષીનું નામ તેણે ‘જ્હોન્સન’ રાખ્યું. બસ, ત્યારથી લોકો ઘાયલ પક્ષીઓને તેમની પાસે લાવવા લાગ્યા અને રોજર્સ એક બિનસત્તાવાર પક્ષી રક્ષક બની ગયો.
2025માં કેન્યામાં થયેલા સરકારવિરોધી વિરોધ પ્રદર્શનો દરમિયાન રોજર્સ પ્રથમ વખત દુનિયાની નજરમાં આવ્યો હતો. દેખાવકારોની વચ્ચે જ્યારે તે પક્ષીઓ સાથે દેખાયો, ત્યારે લોકો તેને કુતૂહલવશ જોવા લાગ્યા હતા. જોકે, આ દરમિયાન તેને પોલીસના લાઠીચાર્જનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર તેના ફોટા વાઈરલ થતાં તે રાતોરાત એક સ્ટાર બની ગયો હતો. રોજર્સ પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યેના તેમના શોખ દ્વારા અન્ય લોકોને પ્રેરણા આપવા માગે છે તે પોતે ફૂટપાથ પર રહે છે, પરંતુ તેમની આસપાસ હંમેશા પૈક્ષીઓનો મેળાવડો હોય છે. તેનું માનવું છે કે પક્ષીઓ તેમના પરિવાર સમાન છે.
રોજર્સ અત્યાર સુધીમાં 20થી વધુ પ્રજાતિના ડઝનબંધ પક્ષીઓને બચાવી ચૂક્યો છે. તેની પાસે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી. છતાં તે પ્રેમ અને ધૈર્યથી પક્ષીઓને સાજા કરે છે અને ત્યારબાદ તેને મુક્ત કરે છે. ઘણા લોકો તેને જાદુગર કે તાંત્રિક માને છે, પરંતુ રોજર્સ કહે છે કે આ માત્ર પ્રેમ અને વિશ્વાસનો સંબંધ છે. તે સોશિયલ મીડિયા દ્વારા પર્યાવરણ અને પક્ષીઓના રક્ષણનો સંદેશ પણ ફેલાવી રહ્યો છે. રોજર્સ ઓલુ માગુટા સાબિત કરે છે કે બીજાની મદદ કરવા માટે તમારી પાસે મહેલ હોવો જરૂરી નથી, માત્ર એક મોટું હૃદય હોવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter