ક્વેટા: બલુચિસ્તાનમાં 25 વર્ષીય હિન્દુ યુવતી કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. કશીશ ચૌધરી બલુચિસ્તાનમાં આસિસ્ટન્ટ (મદદનીશ) કમિશનરનું પદ સંભાળનારી પ્રથમ હિન્દુ મહિલા બની છે. કશીશે બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (બીપીએસસી)ની પરીક્ષા પાસ કરીને આ સફળતા મેળવી છે. કશીશની
આ સિદ્ધિની બલુચિસ્તાનમાં ભરપૂર પ્રશંસા થઈ રહી છે.
બલુચિસ્તાનના ચગાઇ જિલ્લાના, નોશકીની રહેવાસી કશીશ પોતાના પિતા ગિરધારીલાલ સાથે બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગટીને મળી હતી. જે દરમિયાન તેણે મુખ્યમંત્રીને કહ્યું હતું કે હું લઘુમતીઓ તેમજ મહિલાઓ અને પ્રાંતના તમામ લોકોના સશક્તિકરણ માટે કામ કરવા માગું છું.
મીડિયા સાથેની વાતચીતમાં કશીશના પિતા ગિરધારીલાલે કહ્યું હતું કે મારી પુત્રી અસિસ્ટન્ટ કમિશનર બની તે અમારા સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે. આ સિદ્ધિ તેણે પોતાની મહેનત અને પ્રતિબદ્ધતાને કારણે મેળવી છે. મારી પુત્રી હંમેશા મહિલાઓ માટે કઈક કંરવા માગતી હતી. જ્યારે મુખ્યમંત્રી સરફરાઝે કહ્યું હતું કે જ્યારે લઘુમતી સમાજના લોકોને કોઈ સિદ્ધિ મળે છે ત્યારે તે દેશ માટે ગૌરવ સમાન ગણાય છે. કશીશ રાષ્ટ્ર અને બલુચિસ્તાન માટે આવું જ ગૌરવનું પ્રતિક છે.
પુરુષ પ્રધાન પાકિસ્તાનમાં તાજેતરમાં હિન્દુ સમાજની મહિલાઓ એક પછી એક સિદ્ધિના શીખરો સર કરી રહી છે. આ પહેલા જુલાઈ 2022ના રોજ મનેશ રોપેટા કરાચીમાં એસપી બનનારી પ્રથમ હિન્દુ મહિલા હતી. તો કરાચીમાં પીએસઆઈ તરીકે સેવા આપી રહેલાં 35 વર્ષીય પુષ્પા કુમારીએ કહ્યું હતું કે ઉંચાઇ પર પહોંચવામાં હિન્દુ મહિલાઓ પાસે આવડત છે.