ઓટાવાઃ કેનેડાના તેલ-સમૃદ્ધ પ્રાંત આલ્બર્ટામાં સોમવારે ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ રેફરન્ડમ (જનમત સંગ્રહ) યોજાયો હતો. આ બહુચર્ચિત રેફરન્ડમના પ્રાથમિક પરિણામો અનુસાર આલ્બર્ટાના પ્રજાજનોએ આ પ્રદેશને કેનેડાથી અલગ કરવાની દરખાસ્તને ભારે બહુમતીથી નકારી કાઢીને કેનેડા સાથે જ રહેવાનો સ્પષ્ટ નિર્ણય કર્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જનમતના આ ચુકાદાને રાષ્ટ્રીય એકતાની જીત ગણાવતાં આવકાર્યો છે.
આ રેફરન્ડમમાં કુલ દસ પ્રશ્નો પૂછાયા હતા, જોકે સૌથી ચર્ચાસ્પદ પ્રશ્ન આલ્બર્ટા પ્રાંતની સ્વતંત્રતા સંદર્ભે હતો. દસમા નંબરના પ્રશ્નમાં પૂછાયું હતું કે શું આલ્બર્ટાએ કેનેડાના પ્રાંત તરીકે જ રહેવું જોઈએ? આલ્બર્ટા સરકારને ભવિષ્યમાં કેનેડાથી સંપૂર્ણ અલગ થવા માટે એક કાયદાકીય અને બંધનકર્તા રેફરન્ડમ યોજવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ?
પ્રાથમિક પરિણામ મુજબ આશરે 76 ટકા લોકોએ કેનેડા સાથે જ રહેવાની (Remain) તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે માત્ર 24 ટકા લોકોએ કેનેડાથી અલગ થવાની પ્રક્રિયા આગળ ધપાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. રેફરન્ડમનો શરૂથી જ વિરોધ કરી રહેલા અને આલ્બર્ટા પ્રાતં કેનેડા સાથે જ રહેવું જોઇએ તેવી ભારપૂર્વક દલીલ કરી રહેલા કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ આ પરિણામને રાષ્ટ્રીય એકતાની જીત ગણાવી આવકારી છે.
આલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથ દ્વારા રજૂ કરાયેલા આ રેફરન્ડમમાં પ્રાંતની સ્વતંત્રતા સિવાય પણ નવ પ્રશ્નો પણ બેલેટ પેપર પર મૂકાયા હતા. જેમાં ઇમિગ્રેશન પર નિયંત્રણ, સરકારી સેવાઓ પર મર્યાદા, મતદાન સુરક્ષા વગેરે મુદ્દા સામેલ હતા.
આ રેફરન્ડમ પ્રક્રિયાનો સ્થાનિક આદિવાસી જૂથો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. તેમનું કહેવું હતું કે કેનેડાથી આલ્બર્ટાનું અલગ થવું એ તેમના બંધારણીય અને પરંપરાગત જમીન અધિકારો (ટ્રિટી રાઇટ્સ)નું ઉલ્લંઘન છે. જ્યારે વિપક્ષ અને આલોચકોએ આ રેફરન્ડમને જનતાના નાણાંનો બગાડ અને અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આ પરિણામો સાથે આલ્બર્ટામાં ચાલી રહેલી અલગ દેશ બનવાની ચળવળને મોટો ફટકો પડ્યો છે અને કેનેડાની અખંડિતતા મજબૂત થઈ છે.


