બહુચર્ચિત ફિલ્મ ‘વાઈસરોય હાઉસ’નું વર્લ્ડ પ્રીમિયર બર્લિન ફેસ્ટિવલમાં શરૂ

Wednesday 15th February 2017 08:04 EST
 
 

લંડનઃ બાફ્ટાનું નોમિનેશન મેળવેલાં ડિરેક્ટર ગુરિન્દર ચઢ્ઢાની બહુચર્ચિત ફિલ્મ ‘વાઈસરોય‘સ હાઉસ’નું વર્લ્ડ પ્રીમિયર રવિવાર ૧૨ ફેબ્રુઆરીએ ૬૭મા બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શરૂ થયું હતુ, જે ૧૯ ફેબ્રુઆરી સુધી ચાલશે. ભારતમાં બ્રિટિશ શાસનના આખરી મહિનાઓની સત્ય ઘટનાઓનું ચિત્રણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મની રીલિઝ ભારતની આઝાદી અને પાકિસ્તાનના સર્જનની ૭૦મી વર્ષગાંઠ સાથે અનુરુપ છે.

મોટા ભાગે વિન્સ્ટન ચર્ચિલના મુખે મૂકાયેલી ટેગલાઈન ‘ઈતિહાસ વિજેતાઓ દ્વારા લખાય છે’ સાથે ‘વાઈસરોય‘સ હાઉસ’ ફિલ્મનો આરંભ થાય છે. બ્રિટિશ કળાકારોમાં લોર્ડ માઉન્ટબેટનની ભૂમિકામાં હ્યુજ બોનવિલે, લેડી માઉન્ટબેટનની ભૂમિકામાં જિલિયન એન્ડરસન, તેમની પુત્રી પામેલાની ભૂમિકામાં લિલી ટ્રાવર્સ તેમજ સનદી અધિકારીઓની ભૂમિકામાં માઈકલ ગેમ્બોન, સિમોન કેલો છે.

ભારતીય અને પાકિસ્તાની અભિનેતાઓમાં મનીષ દયાળ, હુમા કુરેશી અને ઓમ પૂરીની મુખ્ય ભૂમિકાઓ છે. મુખ્ય રાજકીય નેતાઓની ભૂમિકા તનવીર ઘની (નેહરુ), ડેન્ઝિલ સ્મિથ (ઝીણા) અને નીરજ કબિ (ગાંધી)એ ભજવી છે. ગુરિન્દર ચઢ્ઢા, પોલ માયેદા બર્જેસ અને મોઈરા બુફિનીની પટકથા પરથી ફિલ્મનું દિગ્દર્શન ગુરિન્દર ચઢ્ઢાએ કર્યું છે, જ્યારે નિર્માણ દીપક નાયર, ગુરિન્દર ચઢ્ઢા અને પોલ માયેદા બર્જેસ દ્વારા કરાયું છે. ગુરિન્દર ચઢ્ઢાએ જણાવ્યું હતું કે,‘બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ‘વાઈસરોય‘સ હાઉસ’ ફિલ્મની પસંદગી કરાઈ તેનો મને આનંદ છે. મારી ફિલ્મ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના અંતકાળે સર્જાયેલી આઘાતજનક ઘટનાઓ સંબંધિત સાચી અને પ્રેરણાદાયી કથા છે. આ ઘટનાઓમાં મારો પરિવાર પણ વેરવિખેર થયો હતો. મારાં મનગમતા પ્રોજેક્ટને વૈશ્વિક ઓડિયન્સ સમક્ષ રજૂ કરવાની તક આ ફેસ્ટિવલ દ્વારા મને મળી છે.’

ફિલ્મ વિશે મીડિયાની નુક્તેચીની

ધ ટાઈમ્સ દ્વારા ‘વાઈસરોય‘સ હાઉસ’ ફિલ્મને ચાર સ્ટાર અપાયા છે, જ્યારે ધ ગાર્ડિયને સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મમાં સામૂહિક સ્થળાંતર અને હત્યાકાંડોની કરુણાંતિકાઓ તરફ વિશેષ ધ્યાન અપાયું નથી તેમજ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સાથે લેડી માઉન્ટબેટનના કથિત પ્રેમસંબંધોને પણ સ્પર્શ કરાયો નથી. ‘વાઈસરોય‘સ હાઉસ’ ફિલ્મમાં ઉંડાણ નથી છતાં, કથાવર્ણનમાં ચઢ્ઢાની માસ્ટરી દેખાઈ આવે છે. યુકેના પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને દુષ્ટ માનવી તરીકે ચીતરતાં ઘણા થોડાં ઐતિહાસિક ડ્રામાના એક હોવાથી આ ફિલ્મ રસપ્રદ બની છે. ચર્ચિલે ગાંધીજીને ‘અર્ધનગ્ન ફકીર’ કહીને ટોણો માર્યો હતો અને ફિલ્મ દર્શાવે છે કે ચર્ચિલે પોતાના ફાયદા માટે જ ભારતના વિભાજનની યોજના આગળ વધારી હતી.

બ્રેક્ઝિટ અને ટ્રમ્પ વિશે ચઢ્ઢાનાં વિચારો

સૌથી સફળ બ્રિટિશ ફિલ્મોમાં સ્થાન મેળવનારી ૨૦૦૨ની ‘બેન્ડ ઈટ લાઈક બેકહામ’ ફિલ્મનું નિર્માણ કરનારાં ગુરિન્દર પંજાબી બ્રિટિશર છે, જેમનો પરિવાર દેશના ભાગલાથી વિસ્થાપિત થયો હતો. તેમણે કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ વિભાજનના ડહાપણને પડકારવાનો હતો. તેમણે ફિલ્મમાં દર્શાવ્યું છે કે બ્રિટિશરોએ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ આધારિત ધાર્મિક ઘૃણા ઉભી કરી દેશના વિભાજનની યોજના બનાવી હતી. બ્રેક્ઝિટ અથવા ટ્રમ્પની ચૂંટણી પહેલા જ સાત વર્ષ અગાઉ તેમણે આ પ્રોજેક્ટ હાથ ધર્યો હોવાં છતાં ઝેરી વિભાજનો અને દીવાલોની વિનાશક તાકાતનો ફિલ્મનો વિષય આજે પણ સુસંગત જણાય છે. ‘ઘૃણા અને ભાગલાને પ્રોત્સાહન અપાય અને કેટલાક લોકજૂથને અપરાધી ગણાવી દેવાય ત્યારે શું પરિસ્થિતિ સર્જાય તેનો સાચો ચિતાર આ ફિલ્મ આપે છે. આખરી પરિણામ હિંસા અને મોત જ હોય છે અને ઈતિહાસ આપણને આ જ કહે છે’, તેમ ચઢ્ઢાએ જણાવ્યું હતું.

અભિનેત્રી હુમા કુરેશીએ જણાવ્યું હતું કે,‘ઉપખંડમાં વિભાજનના ઘા એટલા ઊંડા છે કે આજે પણ વિભાજનના ઉલ્લેખ વિના કોઈ નીતિ, કોઈ નિર્ણય લેવાતો નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter