બહુમૂલ્યવાન ‘ભૂલ’ઃ કૂવો ખોદતાં મળ્યો ૧૦૦ મિલિયન ડોલરનો નીલમણિ!

Sunday 08th August 2021 04:16 EDT
 
 

કોલંબોઃ શ્રીલંકામાં વિશ્વનો સૌથી મોટો નીલમણિ મળ્યો છે. આ સમાચાર જાણીને કોઇને પણ આશ્ચર્ય થવું સ્વાભાવિક છે, પરંતુ કોઇ એમ કહે કે આશરે ૧૦૦ મિલિયન ડોલરનું બજારમૂલ્ય ધરાવતો આ નીલમણિ ‘ભૂલથી’ મળ્યો છે તો?! વાત ભલે ગળે ન ઉતરે, પરંતુ હકીકત તો આ જ છે. શ્રીલંકાના અધિકારીઓના મતે વિશ્વના સૌથી મોટા નીલમણિનું એક ક્લસ્ટર શ્રીલંકના એક ઘરના આંગણામાંથી મળી આવ્યું છે, અને એ ભૂલથી મળ્યું છે.
કેટલાક મજૂરો ઘરના આંગણામાં કૂવો ખોદી રહ્યા હતા ત્યારે આ વિશાળ નીલમણિ તેમને મળ્યો હોવાનું રત્નોના એક વેપારીએ જણાવ્યું છે. રસપ્રદ બાબત એ છે કે આ ઘટના શ્રીલંકાના રત્નપુરા વિસ્તારની છે. વિસ્તારના નામ અનુસાર જ અહીં મોટાં પ્રમાણમાં રત્નો મળી આવે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ નીલમણિની કિંમત લગભગ ૧૦૦ મિલિયન ડોલર (એટલે કે લગભગ સાડા સાત અબજ રૂપિયા) તો હશે જ.
આશરે ૫૧૦ કિલોગ્રામનું વજન ધરાવતા આ નીલમણિને ‘સેરન્ડિપિટી સફાયર’ નામ આપવામાં આવ્યું છે. આનો અર્થ થાય છે, ‘કિસ્મતથી મળી આવેલો નીલમ.’
રત્નપુરાઃ શ્રીલંકાની રત્નોની રાજધાની
જે વ્યક્તિના ઘરમાંથી આ મૂલ્યવાન નીલમણિ મળી આવ્યો છે એણે એક સમાચાર સંસ્થાને જણાવ્યું છે તે પ્રમાણે, જે વ્યક્તિ જમીન ખોદી રહી હતી તેને અમે દુર્લભ રત્ન મળવાની શક્યતા અંગે જણાવ્યું હતું અને એ બાદ અમને આ વિશાળ નીલમણિ મળી આવ્યો હતો.
જેમના ઘરેથી આ નીલમણિ મળી આવ્યો છે તેમના નામઠામ તો સુરક્ષાના કારણોસર જાહેર કરાયા નથી, પરંતુ એ ત્રીજી પેઢીના વેપારી છે. નીલમણિ મળ્યા બાદ તેમણે તત્કાલ સંબંધિત અધિકારીઓને જાણ કરી દીધી હતી, પરંતુ સાફ કરવામાં અને અન્ય અશુદ્ધિઓ હટાવવામાં એક વર્ષ કરતાં વધારે સમય લાગી ગયો હતો.
આ પછી નીલમણિની સાચી કિંમતનો અંદાજ લગાવી શકાયો અને તેની ગુણવત્તાની પુષ્ટિ પણ કરી શકાઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે સફાઈ દરમિયાન કેટલાંક રત્નો કલસ્ટરમાંથી ખરી પડ્યાં હતાં અને તેમાંથી કેટલાંય ઊંચી ગુણવત્તાવાળાં નીલમ હતા.
રત્નપુરાને શ્રીલંકાની ‘રત્નોની રાજધાની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં પણ આ શહેરમાંથી કેટલાંય કિંમતી રત્નો મળ્યાં છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા વિશ્વમાં પન્ના, નીલમ અને અન્ય કિંમતી રત્નોનું મુખ્ય નિકાસકાર છે. ગત વર્ષે શ્રીલંકાએ કિંમતી રત્નો, હીરા અને ઘરેણાંની નિકાસ થકી લગભગ ૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
રત્નપુરાને શ્રીલંકાની 'રત્નોની રાજધાની' તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણીતાં રત્નવિશેષજ્ઞ ડો. જૈમિનિ જોય્સાના જણાવ્યા પ્રમાણે, ‘આટલો મોટો નીલમણિ મેં જિંદગીમાં ક્યારેય જોયો નથી. આ બહુમૂલ્ય રત્ન કદાચ ૪૦ કરોડ વર્ષ પહેલાં બન્યું હશે.’
જોકે, જાણકારોએ એવું પણ જણાવ્યું છે કે આ નીલમની કેરેટ વેલ્યૂ ભલે ઊંચી હોય પણ કલસ્ટરની અંદરનાં રત્નો વધારે કિંમતી ન હોય એવું પણ બની શકે.
આ નીલમણિ એવા સમયે મળી આવ્યો છે, જ્યારે શ્રીલંકાનો રત્નઉદ્યોગકારો વાઇરસની મહામારી અને લોકડાઉનના લીધે ભારે નુકસાન વેઠી રહ્યા છે.
રત્નઉદ્યોગમાં કામ કરનારાઓને આશા છે કે ‘કિસ્મતથી મળેલો નીલમણિ’ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વિશેષજ્ઞોનું ધ્યાન આકર્ષિત કરશે.
નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટી ઓફ શ્રીલંકાના પ્રમુખ તિલક વીરસિંહે કહ્યું, ‘આ વિશેષ નીલમ છે. કદાચ વિશ્વનો સૌથી મોટો નીલમણિ. એનો આકાર અને કિંમત જોતાં લાગે છે કે તે વિશેષજ્ઞો અને સંગ્રહાલયોનું ધ્યાન પોતાની તરફ ખેંચશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter