બાઇડેન સરકાર ટ્રમ્પથી વધુ યુવા, વધુ અનુભવી

Wednesday 27th January 2021 03:24 EST
 
 

વોશિંગ્ટનઃ અત્યંત ઉતાર-ચઢાવ અને ભારે ખેંચતાણ પછી જો બાઈડેને ૪૬મા રાષ્ટ્રપતિ તરીકે અમેરિકાની શાસનધૂરા સંભાળી છે. તેમની સાથે ભારતવંશી કમલાદેવી હેરિસે પ્રથમ અમેરિકી મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. કોરોનાની સાથે અનેક ઘરેલુ અને બાહ્ય મોરચે ઝઝૂમી રહેલા અમેરિકાને નવી દિશા આપવા બાઇડેનના પ્રધાનમંડળમાં ટ્રમ્પની તુલનાએ યુવા, મહિલાઓ (૫૦ ટકા), અશ્વેત અને અનુભવી (૯૫ ટકા) લોકો વધુ છે. જ્યારે ટ્રમ્પની કેબિનેટમાં પુરુષ, શ્વેત, વૃદ્ધ અને ઓછા અનુભવી લોકો વધુ હતા. બાઈડેને પહેલાં ૧૦૦ દિવસના કાર્યકાળનું લક્ષ્ય નક્કી કર્યું છે. કાર્યભાર સંભાળતા જ એક પછી એક મહત્ત્વના નિર્ણયો લઇ રહ્યા છે.
બીજી બાજુ ટ્રમ્પે કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ૧૪૩ લોકોને માફીદાન કર્યું હતું. જેમાં તેમના પૂર્વ મુખ્ય વ્યૂહરચનાકાર સ્ટીવ બેનનનું નામ પણ સામેલ છે. તેમણે પોતાના વિશેષાધિકારની રુએ ૭૩ને માફ કર્યા છે જ્યારે ૭૦ની સજા ઘટાડી છે. ટ્રમ્પે જેમને માફ કર્યા તેમાં બેનન ઉપરાંત રેપર લિલ વેન, પાર્ટીના ફંડ રેઝર ઈલિયટ બ્રોઈડી અને પૂર્વ ડેટ્રોઇટ મેયર ક્વેક કિલપેટ્રિકના નામ મુખ્ય છે.

હું બધા અમેરિકનોનો રાષ્ટ્રપતિ: બાઇડેન

શપથગ્રહણ કર્યા પછી સૌપ્રથમ સંબોધનમાં બાઇડેને જણાવ્યું હતું કે આજે અમેરિકાનો દિવસ છે. આ લોકશાહીનો દિવસ છે. આ દિવસ ઇતિહાસ અને આશાનો દિવસ છે. આપણે ફરી એક વાર શીખ્યાં છીએ કે લોકશાહી મૂલ્યવાન છે, લોકશાહી અત્યંત નાજૂક છે. લોકશાહીની જાળવણી થઇ છે. હું આપણા બંધારણ અને આપણા દેશની ક્ષમતાથી પરિચિત છું. ટોળાંએ આપણી લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે તેવું ક્યારેય નહીં થાય. આજે, આવતીકાલે કે ક્યારેય નહીં. હું તમને વચન આપું છું કે, જેમણે મને સમર્થન નથી આપ્યું તેમના માટે પણ હું ઘણી મહેનત કરીશ. હું બધા અમેરિકનોનો રાષ્ટ્રપતિ છું. અમેરિકાનું ભાવિ આપણા બધાના હાથમાં છે. આપણે સજ્જન લોકો છીએ. આપણે ઘણા વર્ષોની લાંબી મજલ કાપી છે અને હજુ આપણે ઘણી મજલ કાપવાની છે. આપણે હજુ ઘણું સુધારવાનું છે, ઘણું પુનઃસ્થાપિત કરવાનું છે અને ઘણું મેળવવાનું બાકી છે.
આજે જાન્યુઆરી ડે છે. હું આપણા દેશને એકજૂથ કરવા અહીં ઊભો છું. એકસંપ થઇને આપણે મહાન, મહત્ત્વની બાબતો પાર પાડી શકીએ છીએ. આ એક ઐતિહાસિક ક્ષણ છે અને એકતા જ ભવિષ્યનો માર્ગ છે. આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બનીને તમામ મુશ્કેલીનો સામનો કરવાનો છે. દરેક અસહમતિ યુદ્ધનું કારણ હોઇ શકે નહીં. બાઇડેને જણાવ્યું હતું કે, હું માનું છું કે અમેરિકા આનાથી પણ સારું કરી શકે છે. આજે આપણે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આપણે એક મહિલાને ચૂંટી કાઢયાં છે. કમલા હેરિસ. મને એમ ન કહેશો કે બદલાવ આવી શક્તો નથી.

કેબિનેટમાં વંશીય વૈવિધ્યતા

બાઈડેન કેબિનેટ અમેરિકાના ઈતિહાસમાં વંશીય રીતે સૌથી વૈવિધ્યસભર હશે. કેબિનેટના સાથીદારોમાં અનેક સાથે ‘પહેલી વાર’નો સંયોગ હશે. જેમ કે... કમલા હેરિસ: પહેલા મહિલા ઉપ રાષ્ટ્રપતિ હોવાની સાથે પહેલા અશ્વેત અને પહેલા એશિયન પણ. ડેબ હોલેન્ડ: પહેલા નેટિવ અમેરિકન કેબિનેટ સેક્રેટરી. જેનેટ યેલેન: મહિલા ટ્રેઝરી સેક્રેટરી. લોયડ ઓસ્ટિન: અશ્વેત સંરક્ષણ પ્રધાન. અલેજાંદ્રો મેયરકાસ: આંતરિક સુરક્ષા સંભાળનારા શરણાર્થી. પીટ બટિગિગ: ટ્રાન્સપોર્ટ સેક્રેટરી તરીકે સમલૈંગિક. એવરિલ હૈન્સ: નેશનલ ઈન્ટેલિજન્સના મહિલા ડિરેક્ટર. નીરા ટંડન: ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ સંભાળનારા પહેલા અશ્વેત મહિલા. વનિતા ગુપ્તા: ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સંભાળનારા પહેલા અશ્વેત મહિલા. જેવિયર બેકેરા: હેલ્થ અને હ્યુમન સર્વિસીસમાં લેટિન અમેરિકન.

પહેલી વખત પાંચ મહિલા

બાઈડેન કેબિનેટમાં પહેલી વાર પાંચ મહિલા હશે. સૌથી પહેલા ૧૯૩૩માં રુઝવેલ્ટ કેબિનેટમાં મહિલા સામેલ થઈ હતી. ૧૯૯૩માં ક્લિન્ટનની કેબિનેટમાં પહેલી વાર ૩ મહિલા હતી. ઓબામાના પહેલા કાર્યકાળમાં આ આંકડો ચારને પાર થયો, જ્યારે ટ્રમ્પ કેબિનેટમાં બે મહિલા હતી.

પાંચ લાખ ભારતીયોને નાગરિક્તા

રાષ્ટ્રપતિ બાઈડેન સત્તા સંભાળતાં જ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને ઉલટાવી નાંખશે તેવી અપેક્ષા હતી અને તેવું જ થયું. રાષ્ટ્રપતિ પદે શપથ લીધાના કલાકોમાં જ બાઈડેને ટ્રમ્પના અનેક આદેશોને ઉથલાવી દીધા હતા. બાઈડેને વસાહતીઓને રાહત આપતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને પાંચ લાખ ભારતીયો સહિત ૧.૧ કરોડ ઈમિગ્રન્ટ્સને નાગરિક્તાનો માર્ગ મોકળો કર્યો હતો. વધુમાં બાઈડેને કોરોના મહામારી સંબંધિત, ‘હૂ’ અને પેરિસ જળવાયુ પરિવર્તન કરારમાં ફરીથી જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ડેમોક્રેટ નેતા બાઈડેને ૪૬મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાની સાથે જ ૧૫થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. બાઈડેને જણાવ્યું હતું કે, તેઓ આગામી દિવસોમાં હજી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કરશે. બાઈડેને વ્હાઈટ હાઉસમાં સત્તા સંભાળતા જ સૌપ્રથમ ૧૦૦ દિવસના માસ્કિંગ ચેલેન્જના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આદેશ હેઠળ તેમણે અમેરિકનોને ૧૦૦ દિવસ માટે માસ્ક પહેરવા જણાવ્યું હતું.
યુએસ સિટિઝનશિપ એક્ટ, ૨૦૨૧ નામનું બિલ દેશની ઈમિગ્રેશન વ્યવસ્થા આધુનિક બનાવશે. આ બિલ હેઠળ વસાહતીઓ માટે પ્રત્યેક દેશની મર્યાદા ખતમ કરાશે અને કુશળતા આધારિત નીતિ અપનાવાશે. તેના હેઠળ ભારતીય આઈટી વ્યાવસાયિકોને કાયમી નાગરિક્તા મેળવવા દાયકાઓ સુધી રાહ નહીં જોવી પડે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ આ બિલ રોજગાર આધારિત બેકલોગ દૂર કરીને વીઝા મેળવવામાં લાગતો લાંબો સમય ઘટાડશે.

પહેલા જ દિવસે મહત્વપૂર્ણ આદેશો

• કોરોના મહામારી પર નિયંત્રણ લાવવા સંબંધિત નિર્ણયો, જેમાં બાઈડેને ૧૦૦ દિવસ માટે માસ્ક પહેરવું જરૂરી કર્યું. • જળવાયુ પરિવર્તન મુદ્દે પેરિસ કરારમાં અમેરિકાના ફરીથી જોડાવાનો નિર્ણય લીધો. • વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી હટવાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયના અમલને પણ અટકાવી દીધો. • મેક્સિકો સરહદે દિવાલ બનાવવાનો નિર્ણય પણ તાત્કાલિક અસરથી અટકાવ્યો અને તેના માટેનું ભંડોળ પણ અટકાવ્યું. • મુસ્લિમ દેશોના લોકોના અમેરિકા પ્રવેશ પર ટ્રમ્પે મુકેલો પ્રતિબંધ પણ હટાવ્યો. • સામાન્ય લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત સાથે સ્ટુડન્ટ લોનનો હપ્તો સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવ્યો.

બાઇડેન-હેરિસ સામે ૧૦ સૌથી મોટા આર્થિક પડકાર

• કોરોના મહામારીના કારણે ડામાડોળ બનેલા અર્થતંત્રને બેઠું કરવાનો પડકાર • મોટી ટેકનોલોજી કંપનીઓ સામે કાનૂની લડાઇના પડકાર • કરમાળખામાં સુધારા, મોટી કંપનીઓ અને અમીરો પર ટેક્સ વધારવાનો પડકાર • અમેરિકાના વેપાર હિતો સામે પડકાર બની રહેલા ચીનને અટકાવવાનો પડકાર • ચીનને અટકાવવા સાથી દેશો સાથેના વેપાર વિવાદો ઉકેલવાનો પડકાર • હેજ ફંડો દ્વારા અનિયંત્રિત બનેલા શેડો બેન્કિંગને અટકાવવાનો પડકાર • કોરોના મહામારીમાં બંધ થયેલા ૪,૦૦,૦૦૦ નાના બિઝનેસને બેઠા કરવાનો પડકાર • કોરોના મહામારીના કારણે ગરીબીમાં ધકેલાઇ ગયેલા અમેરિકી પરિવારોનો બોજો ઓછો કરવાનો પડકાર • ૨૦૩૫ સુધીમાં દેશમાં કાર્બન ફ્રી વીજળી સિસ્ટમ લાગુ કરવાનો પડકાર • કોરોનાથી ખસ્તાહાલ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને બેઠું કરવાનો પડકાર

ત્રણેય પૂર્વ રાષ્ટ્રપતિનો આશાવાદ

બાઈડેનના શપથ બાદ અમેરિકાના ત્રણ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તે ઉપરાંત ઉજ્જવળ અમેરિકાની કલ્પના કરવામાં આવી હતી. ત્રણેય પૂર્વ પ્રમુખો દ્વારા એક વીડિયો મેસેજ દ્વારા બાઈડેનને તમામ સ્તરે સાથ અને સહકાર આપવાની પણ તૈયારી દર્શાવાઇ હતી. ત્રણેય પૂર્વ નેતાઓએ આશાવાદ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમેરિકામાં ફરીથી સ્થિતિ સામાન્ય થશે અને દેશ વધારે મજબૂત બનશે. ઓબામાએ જણાવ્યું હતું કે, સત્તા હસ્તાંતરણની અમેરિકાની જે ભવ્ય પરંપરા ચાલી આવી છે તેનું યોગ્ય રીતે પાલન થવું જોઈતું હતું. ક્લિન્ટને કહ્યું કે, અમે બંને તમારી સાથે છીએ અને દેશને ફરી સામાન્ય કરવા અને સ્થિતિ કાબૂમાં કરવા તમને તમામ મદદ કરવા તૈયાર છીએ. જ્યોર્જ બુશે પણ જણાવ્યું કે, અમે ત્રણેય સત્તાના શાંત અને સૌમ્ય હસ્તાંતરણને ભોગવીને આવ્યા છીએ અને તેનું સમર્થન કરીએ છીએ. તમારી સફળતાએ આખરે તો અમેરિકાની જ સફળતા સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter