લંડનઃ મહાનગરમાં શનિવારે રાત્રે યોજાયેલા ‘બાફ્ટા’ ફિલ્મ એવોર્ડસમાં અણુબોમ્બની રચનાની આસપાસ કેન્દ્રિત ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપનહેઈમર’નો દબદબો જોવા મળ્યો હતો. આ ફિલ્મે ઓસ્કાર પહેલાં સાત એવોર્ડ્સ જીતીને પોતાનો દાવો મજબૂત કર્યો છે. પહેલાંથી જ ‘ઓપનહેઈમર’ એક બિલિયન ડોલરથી વધુની કમાણી કરીને ગોલ્ડન ગ્લોબ્સ અને ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં પણ અનેક ફિલ્મોને એવોર્ડ્સની રેસમાં પછાડી હતી.
પહેલો ‘બાફ્ટા’ એવોર્ડ જીતનાર સિલિયન મર્ફીએ પોતાનામાં રહેલી છૂપી પ્રતિભા ઓળખવા બદલ ક્રિસ્ટોફર નોલાનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, મારી અંદર કંઈક એવું છે હતું જે કદાચ મેં મારી જાતે ન હતું જોયું. ડાર્ક કોમેડી ‘પૂર થિંગ્સ’એ એમ્મા સ્ટોન માટે શ્રેષ્ઠ અભિનેત્રી સહિત પાંચ પુરસ્કારો મેળવ્યા હતા. નાઝી ડેથ કેમ્પની બાજુમાં રહેતા ઓશવિટ્ઝના કમાન્ડન્ટ અને તેના પરિવારની સ્ટોરી ‘ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ’એ ત્રણ એવોર્ડ્સ જીત્યા હતાં. વર્ષ 2022માં યુક્રેનિયન સિટીની ઘેરાબંધી વિશે પત્રકાર મસ્તિસ્લાવ ચેનીવના વ્યક્તિગત એકાઉન્ટ ‘20 ડેઝ ઈન મેરીયુપોલ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ મળ્યો હતો.
દીપિકા પાદુકોણે ‘બાફ્ટા’માં એવોર્ડ પ્રેઝન્ટર તરીકે ગોલ્ડન સાડીમાં હાજર રહીને સૌના દિલ જીત્યા હતાં. બોલિવૂડમાંથી ફકત એક દીપિકા જ આ એવોર્ડમાં હાજર રહી હતી. એવોર્ડ દરમિયાન પ્રિન્સ વિલિયમ્સની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.