સ્પેનમાં બે આતંકી હુમલામાં ૧૩ના મોત, ૧૦૦થી વધુને ઇજા

Friday 18th August 2017 03:47 EDT
 
 

બાર્સેલોનાઃ સ્પેનમાં થયેલા બે આતંકી હુમલામાં ૧૩ લોકોના મૃત્યુ થયા છે જ્યારે અનેકને ઇજા પહોંચ્યાના અહેવાલ છે. પ્રથમ હુમલો બાર્સેલોનામાં થયો હતો જેમાં એક હુમલાખોર આતંકીએ ટોળા પર વાન ચઢાવી દીધી હતી. જ્યારે બીજો હુમલો ૭૦ માઇલના અંતરે આવેલા દરિયાકિનારે આવેલા કેમ્બ્રિલમાં થયો હતો. બાર્સેલોનાની જેમ જ અહીં પણ આતંકીએ લોકો પર કાર લઇને ઘસી ગયા હતા. બાર્સેલોના હુમલામાં સંડોવાયેલો આતંકી નાસી છુટવામાં સફળ રહ્યો હતો, પરંતુ કેમ્બ્રિલમાં હુમલો કરનાર પાંચેય આતંકીને પોલીસે ઠાર માર્યા છે.
બાર્સેલોનામાં ગુરુવારે થયેલા એક આતંકવાદી હુમલામાં ૧૩ જણનાં મૃત્યુ થયા છે જ્યારે ૨૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. સ્પેનનું આ બીજા નંબરનું સૌથી મોટું શહેર વિશ્વભરના પર્યટકોમાં બહુ લોકપ્રિય છે. બાર્સેલોનાના પ્રસિદ્ધ લા રેમબ્લાસ એરિયામાં આ હુમલો થયો હતો. ઘટનામાં સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હોવાનું સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવાયું હતું. લા રેમબ્લાસ બાર્સેલોનાની સૌથી વ્યસ્ત સ્ટ્રીટ ગણાય છે અને મોટા ભાગે ટૂરિસ્ટ આ એરિયામાં ફરતા જોવા મળે છે. મોડી રાત સુધી અહીં નાટક અને ડાન્સના શો ચાલતા રહે છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે એક હુમલો લા રેમબ્લાસ ટૂરિસ્ટ વિસ્તારમાં થયો હતો. વાન લઇને ધસી આવેલી એક વ્યક્તિએ કોશર રેસ્ટોરાં નજીક ભીડ પર વાન ચઢાવી દઇને લોકોને કચડી નાખ્યા હતા અને પછી તે ભાગી છૂટ્યો હતો. પોલીસે આ ઘટના પછી સમગ્ર એરિયાને કોર્ડન કરી લીધો હતો. પોલીસે કહ્યું હતું કે આ આતંકવાદી હુમલો છે. અનેક લોકો રસ્તા પર ઘાયલ અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા. પોલીસ અને અન્ય લોકોએ બાદમાં તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના પછી લોકો ગભરાટમાં દોડતા-ભાગતા જોવા મળ્યા હતા. હુમલા બાદ ટ્રેન અને મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે. એક અખબારના જણાવ્યા અનુસાર ડ્રાઈવર વાન ઘટનાસ્થળે જ છોડીને ભાગી ગયો હતો.
આ હુમલાની થોડાક કલાકો બાદ શુક્રવારે વહેલી સવારે કેમ્બ્રિલમાં આતંકી હુમલો થયો હતો. બાર્સેલોનાથી ૭૦ માઇલના અંતરે આવેલા અને દરિયાકિનારે વસેલા આ ટાઉનમાં પાંચ આતંકીઓ કારમાં બેસીને ધસી આવ્યા હતા અને નિર્દોષ લોકો પર કાર ચઢાવી દઇને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા હતા. હુમલામાં એક પોલીસ જવાન સહિત સાત વ્યક્તિને ઇજા થઇ હતી. અંધાધૂંધ ગોળીબારથી લોકોમાં અફડાતફડી અને નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને પાંચેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકીઓએ કમરે વિસ્ફોટક બેલ્ટ બાંધ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું, પરંતુ બાદમાં નિષ્ણાતોએ બેલ્ટ બનાવટી હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સ્પેનમાં આ પ્રકારનો આતંકવાદી હુમલો પહેલી વાર થયો છે. આ પહેલાં યુરોપના ફ્રાન્સ, બેલ્જિયમ અને જર્મનીમાં આ પ્રકારનો હુમલો થયો હતો. સ્પેનમાં રાજધાની મેડ્રીડમાં મે ૨૦૦૪માં અત્યંત ઘાતકી એવો ટ્રેન હુમલો થયો હતો જેમાં ૧૯૧ લોકો માર્યા ગયા હતા. અલ કાયદાએ આ ઘટનાની જવાબદારી લીધી હતી.

આઈએસની મોડસ ઓપરેન્ડી

છેલ્લાં એક વર્ષથી આતંકવાદી જૂથ આઈએસના આતંકીઓ આ પ્રકારે ટોળાને નિશાન બનાવીને વૂલ્ફ એટેક કરી રહ્યું છે. ખાસ કરીને વાહનોનો ઉપયોગ કરીને લોકોને કચડી મારવાની મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યું છે. ફ્રાન્સના નીસ શહેરમાં આ પ્રકારે જ હુમલો થયો હતો. ૧૪ જુલાઈ, ૨૦૧૬ના રોજ એક આતંકી નીસ શહેરમાં બેસ્ટાઈલ ડે ઉજવી રહ્યા હતા ત્યારે એક આતંકીએ ૧૯ ટનનો ટ્રક પૂરપાટ ઝડપે ચલાવીને લોકો પર ચઢાવી દીધો હતો, જેમાં ૮૬ લોકોનાં મોત થયા હતાં.
તાજેતરમાં ૨૮ જુલાઇએ જર્મનીના હેમ્બર્ગમાં એક વ્યક્તિએ અલ્લાહુ અકબરનો નારો લગાવીને સાત લોકો પર ચપ્પુથી હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થયું હતું.
આ પૂર્વે જૂનમાં લંડન બ્રિજ પર એક વાન ચાલકે લોકો પર કાર ચડાવી દીધી હતી, જેમાં આઠ માર્યા ગયા હતા અને ૫૦ ઘવાયા હતા. બર્લિન અને સ્ટોકહોમમાં પણ આ જ પ્રકારે નિર્દોષ માણસોને વાહનથી કચડી નાંખવાની ઘટના બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter