બિલ ગેટ્સનું સૌથી મોટું દાનઃ માઇક્રોસોફ્ટના રૂ. ૨૯,૫૦૦ કરોડના શેર

Thursday 17th August 2017 08:10 EDT
 
 

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે તેમની કંપની માઈક્રોસોફ્ટના ૪.૬ અબજ ડોલર (૨૯,૫૦૦ કરોડ રૂપિયા)ના ૬.૪ કરોડ શેર દાનમાં આપ્યા છે. ગત ૧૭ વર્ષમાં બિલ ગેટ્સ દ્વારા અપાયેલું સૌથી મોટું દાન છે. ગેટ્સે જૂનમાં નાણાં દાનમાં આપ્યાં હતાં. અમેરિકી શેરમાર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી સૂચના મુજબ હવે ગેટ્સ પાસે માઈક્રોસોફ્ટના માત્ર ૧.૩% ટકા શેર બાકી રહ્યા છે.

આ દાન પહેલાં તેમની પાસે ૨.૩ ટકા અને ૧૯૯૬માં ૨૪ ટકા શેર હતા. ગેટ્સની ૫.૮ લાખ કરોડ રૂપિયાની નેટવર્થમાં માઈક્રોસોફ્ટના શેરની ભાગીદારી ફક્ત ૮ ટકા રહી ગઈ છે. માઈક્રોસોફ્ટની માર્કેટકેપ ૩૬ લાખ કરોડ રૂપિયા છે. રેગ્યુલેટરને આપેલી સૂચનામાં નથી જણાવાયું કે દાન તરીકે માઈક્રોસોફ્ટના શેર કોને અપાયા છે પણ એવું મનાય છે કે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને અપાયા છે.

દાન સાથે ગેટ્સ ચાલુ વર્ષે સૌથી મોટા દાનવીર બની ગયા છે. બીજા ક્રમે બર્કશાયર હેથવેના વોરેન બફેટ છે. બફેટે ગત મહિને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને તેમની કંપનીના ૨૦,૫૦૦ કરોડ રૂપિયાના શેર દાનમાં આપ્યા હતા.

બિલ અને મેલિંડા ગેટ્સ અત્યાર સુધી ૨.૨૫ લાખ કરોડનું દાન કરી ચૂક્યા છે

૧૯૭૫માં પોલ એલેન સાથે માઈક્રોસોફ્ટની શરૂઆત કરનારા બિલ ગેટ્સ અબજો ડોલર દાન કરી ચૂકવા છતાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિના હોદ્દે યથાવત છે. ૧૯૯૪થી અત્યાર સુધી બિલ અને મેલિન્ડા ગેટ્સ રૂ.૨.૨૫ લાખ કરોડની સંપત્તિ દાન કરી છે. તેમણે ૧૯૯૯માં એક લાખ કરોડ રૂ.ના માઈક્રોસોફ્ટના શેર દાનમાં આપ્યા હતા. તેના બાદ વર્ષ ૨૦૦૦માં રૂ. ૩૨,૦૦૦ કરોડથી બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter