નવી દિલ્હીઃ કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરાં કેપ્સ કાફે પર ફરી વાર ફાયરિંગની ઘટના બની છે. આ વખતે કેપ્સ કાફે સીધી નિશાન પર નહોતી બલ્કે તેની બાજુમાં આવેલી એક રેસ્ટોરાં પર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક કથિત સભ્ય દ્વારા સોશિયલ મીડિયા પર કપિલ શર્માને ધમકી પણ આપવામાં આવી હતી. ફાયરિંગની ઘટના પછી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી હતી જેને ટાયસન બિશ્નોઈ જોરા સિહુ નામના વ્યક્તિએ શેર કરી છે. આ વ્યક્તિ બિશ્નોઈ ગેંગનો કથિત સભ્ય હોવાનું કહેવાય છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે, ‘ચાય સુટ્ટા બાર કાફે પર ગોળી ચાલી છે. આ કેપ્સ કેફેની પડોશમાં છે. અમારો તેને અને કપિલ શર્માને મેસેજ છે કે લાઈન પર આવી જાવ.’ પોસ્ટમાં આગળ કપિલ શર્માને ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે, ‘ચાય સુટ્ટા બારની જગ્યા પર તારું કેપ્સ કેફે અને મુંબઈવાળું ઘર હશે. આ વખતે અમે કોઈની ભલામણ પર નહીં રોકાઈએ.’ કપિલ શર્માના કાફે પર અગાઉ ત્રણ વાર ફાયરિંગ થયું છે. સૌથી પહેલા થયેલી ફાયરિંગની ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.


