અનેક દેશો 2030ના દાયકામાં ચંદ્ર પર લોકોને મોકલવાની મહત્ત્વાકાંક્ષી યોજનાને આકાર આપી રહ્યા છે. આર્ટેમિસ મિશનમાં યુરોપિયન અવકાશયાત્રીઓ બાદમાં સામેલ થશે અને જાપાનીઓએ પણ પોતાની સીટ પાકી કરી લીધી છે. ચીન તેનું પોતાનું અવકાશયાન વિકસાવી રહ્યું છે. ચીનનું લક્ષ્ય 2030 સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે પહેલું લેન્ડિંગ કરવાનું છે. રશિયા 2030 અને 2035 વચ્ચે અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર મોકલવાની અને એક નાનો બેઝ બનાવવાની વાતો કરે છે. એક દિવસ પોતાના અવકાશયાત્રીને ચંદ્રની સપાટી પર ડગલાં ભરતો જોવાની ઇચ્છા ભારતની પણ છે. ઓગસ્ટ 2023માં ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સફળ લેન્ડિંગ બાદ ભારતીય સ્પેસ એજન્સીએ 2040 સુધીમાં અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તે ભારતના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષાથી આગળ લઈ જવાના પ્રયાસોનો હિસ્સો હશે.


