નવી દિલ્હી: ભારતીય મૂળના કેનેડિયન-અમેરિકન લેખિકા પદ્મા વિશ્વનાથન દ્વારા અનુવાદિત બ્રાઝિલિયન પુસ્તક ‘ઓન અર્થ એઝ ઇટ ઇઝ બિનિથ’ને વર્ષ 2026ના ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરાયું છે. ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝમાં 50 હજાર પાઉન્ડનું ઈનામ લેખક અને અનુવાદક વચ્ચે સરખે હિસ્સે વહેંચાય છે. ગયા વર્ષે કન્નડ લેખિકા બાનુ મુશ્તાકના પ્રથમ વાર્તાસંગ્રહને બુકર પ્રાઈઝ મળ્યું હતું જેનો કન્નડમાંથી અંગ્રેજી અનુવાદ દીપા ભારથીએ કર્યો હતો.
યુએસસ્થિત પદ્મા વિશ્વનાથનના અનુવાદ બાબતે પુસ્તકોને શોર્ટલિસ્ટ કરનારી પેનલના સભ્ય નવલકથાકાર અને કોલમિસ્ટ નિલાંજના એસ. રોયે જણાવ્યું હતું કે બ્રાઝિલિયન લેખિકા એના પોલા માઇયાની આ નવલકથા બ્રાઝિલની એક પિનલ કોલોનીમાં આકાર લે છે જ્યાં ન્યાય અને ક્રૂરતા વચ્ચેની સરહદો ભાંગી પડી છે. આ નવલકથા સત્તાની અંધારી કથા છે જેમાં ક્રૂરતા સામાન્ય છે અને સભ્યતા નામની લાગે છે. જારી કરાયેલા શોર્ટ લિસ્ટમાં છ લેખકમાંથી પાંચ તો લેખિકા છે, જ્યારે અનુવાદકોમાં છમાંથી ચાર મહિલા અનુવાદકો છે.


