નવી દિલ્હી: કેનેડાના હાઉસ ઓફ કોમન્સે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. જેમાં બબ્બર ખાલસા જેવા ખાલિસ્તાની જૂથો માટે ઝંડો અને અન્ય આતંકવાદી પ્રતીકોનું પ્રદર્શન ગેરકાનૂની બની જશે. સાથે જ ધાર્મિક સ્થળની બહાર લોકોને ડરાવવા ધમકાવવા અથવા તો તેમનો રસ્તો રોકવો અપરાધ ગણાશે. વડા પ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની કેનેડાની લિબરલ સરકારનો રાજનીતિક રીતે વિવાદાસ્પદ એન્ટી હેટ બિલ હાઉસ ઓફ કોમન્સમાંથી પસાર થઈ ચૂક્યો છે અને હવે તેને મંજૂરી માટે સેનેટમાં મોકલાશે. ‘કોમ્બેટિંગ હેટ એક્ટ’ નામના આ બિલ હેઠળ અમુક વિશેષ સમૂહો સામે ઘૃણા કે આતંકવાદ સંબંધિત પ્રતીકોનો ઉપયોગ કરીને જાણીજોઈને જાહેરમાં નફરતને પ્રોત્સાહન આપવાનું અપરાધ મનાશે. ખરડો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવા અને ખુલ્લેઆમ ખાલિસ્તાની સાહિત્ય વિતરીત કરીને આતંકવાદનું મહિમામંડન કરવા ઉપર સખત પ્રતિબંધ મુકે છે. આ બિલ લાગુ થવાથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશન જેવા સંગઠનો માટે સાર્વજનિક રૂપથી કામ કરવું મુશ્કેલ બની જશે. આ બન્ને સંગઠનને ભારત અને કેનેડામાં આતંકવાદી સંગઠન ઘોષિત કરાયા છે. લિબરલ પાર્ટીને બ્લોક ક્યુબેકોઈસનું એક વિશેષ શરતે સમર્થન મળ્યું છે. જેમાં એક એવી જોગવાઈ સામેલ કરવામાં આવી છે કે કેનેડાના હેટ સ્પીચ કાયદામાંથી ધાર્મિક છૂટને ખતમ કરશે.


