લા પાઝઃ બોલિવિયામાં લા પાઝસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા તેના નવા ચાન્સેરી પ્રીમાઈસિસમાં ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય અને ગૌરવભેર ઊજવણી કરવામાં આવી હતી. લા પાઝમાં ભારતીય દૂતાવાસ દ્વારા સૌપ્રથમ વખત ભારતીય સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવી હતી.
બોલિવિયાસ્થિત ભારતીય રાજદૂત રોહિત વઢવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવા સાથે ઊજવણીનો આરંભ કરાયો હતો. આ પછી, ભારતનું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. રાજદૂત રોહિત વઢવાણાએ સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ ભહારતના રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલા સંદેશાનું વાંચન કર્યું હતું, જેમાં આઝાદી પછી ભારતની નોંધપાત્ર વિકાસયાત્રાનો વિશદ્ ઉલ્લેખ કરાયો હતો તેમજ વૈશ્વિક શાંતિ, ટકાઉ વિકાસ અને સમાવેશી વૃદ્ધિ સંદર્ભે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એમ્બેસેડર વઢવાણાએ સંબોધન કરતા ભારત અને બોલિવિયા વચ્ચે વધતી મિત્રતા પર પ્રકાશ પાથરવા સાથે વેપાર, સંસ્કૃતિ, રિન્યુએબલ એનર્જી, આરોગ્ય અને શિક્ષણ સહિત વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં સહકારના સ્થિર વિસ્તરણની નોંધ લીધી હતી. તેમણે બંને દેશો વચ્ચે વધુ ગાઢ દ્વિપક્ષીય સંબંધો, પ્રજાકીય સંપર્કો તેમજ સહકારના નવા માર્ગો સર્જવામાં ભારતીય દૂતાવાસના નવા લક્ષ્યો પર પણ ભાર મૂક્યો હતો.
બોલિવિયામાં 17 ઓગસ્ટ 2025ના રોજ ચૂંટણી હોવાથી મૂકાયેલા નિયંત્રણો છતાં, ભારતીય સ્વાતંત્ર્યદિનની ઊજવણી ઉલ્લેખનીય રહી હતી.