બ્રિટને બ્રેક્ઝિટ પછી પણ વર્ષો સુધી ઈયુ બજેટ બિલ્સ ચુકવવા પડશે

Tuesday 22nd November 2016 13:19 EST
 
 

લંડનઃ બ્રેક્ઝિટ મુદ્દે જર્મનીએ યુકે સામેનું વલણ વધુ કડક બનાવ્યું છે. જર્મન ફાઈનાન્સ મિનિસ્ટર વોલ્ફગાંગ શોબલે ચેતવણી આપી છે કે ઈયુ સાથે રાજકીય છેડો ફાડ્યા પછી પણ યુકેએ દાયકા કરતા વધુ વર્ષ ઈયુ બજેટ બિલ્સ સહન કરવા પડશે. યુકે ઈયુ છોડવાની ભારે કિંમત ચુકવે તેવી ફ્રાન્સની માગણી છે ત્યારે આ ચેતવણીથી બર્લિન હળવું વલણ અપનાવશે તેવી થેરેસા મેની આશાઓ પર પાણી ફરી વળશે. ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ફ્રાન્કોઈસ હોલાંદને ચિંતા છે કે યુકેને સહેલાઈથી જવા દેવાશે તો ફ્રાન્સના જ ઈયુવિરોધી પરિબળો આ બ્લોકના સભ્યપદ મુદ્દે જનમતની માગણી કરી શકે છે.

શોબલે ફાઈનાન્સિયલ ટાઈમ્સને જણાવ્યું હતું કે,‘યુકેની એક્ઝિટ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે પોતાની ખાતરીઓ-વચનોનું પાલન કરવું જ કહ્યું. કેટલાંક કમિટમેન્ટ્સ તો એક્ઝિટ પછી અંશતઃ પણ ૨૦૩૦ સુધી ચાલી શકે છે. અમે કોઈ ઉદાર વળતરો આપી શકીએ નહિ.’ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જાપાનીઝ કાર ઉત્પાદક નિસ્સાનને બ્રેક્ઝિટ પછીના સમય માટે આપેલી ખાતરીઓમાં યુકેએ ઈન્વેસ્ટમેન્ટ પ્રોત્સાહનોમાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાનું રહેશે. આના પગલે જ નિસ્સાને વિશાળ સન્ડરલેન્ડ પ્લાન્ટમાં બે નવા કાર મોડેલના નિર્માણની જાહેરાત કરી હતી. આ નિયમો ઈયુના સભ્ય હોય કે નહિ, બધાને લાગુ પડે છે.

જર્મન નાણાપ્રધાને એમ પણ કહ્યું હતું કે ટેક્સ એવોઈડન્સ અંગે જી-૨૦ નિયમો યુકેને ઈયુ છોડ્યા પછી પણ કંપનીઓને ટેક્સ છૂટછાટો આપવાની ક્ષમતાને મર્યાદિત બનાવશે.‘યુકે હજુ ઈયુનું સભ્ય છે અને તે એવો દેશ છે જેણે હંમેશા માન્ય નિયમો, માન્ય કાયદાઓ અને માન્ય સંધિઓનું સન્માન કર્યું છે.’

બ્રિટનના ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટર અને સિટીની પ્રતિષ્ઠાને ફટકો મારતા શોબલે લંડન પાસેથી યુરો ક્લીઅરન્સ બિઝનેસ આંચકી લેવાની માગણીને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે યુકેએ બ્રેક્જિટના પગલે તેની ફાઈનાન્સિયલ સર્વિસીસ ફર્મ્સ ફ્રેન્કફર્ટ જેવાં શહેરોમાં ગુમાવવાની તૈયારી રાખવી જોઈએ. જો બ્રિટન સિંગલ માર્કેટમાં રહેવા માગતું હોય તો માઈગ્રેશન મુદ્દે વિશેષ વ્યવસ્થાની અપેક્ષા રાખી શકે નહિ. આંતરિક માર્કેટના સભ્યપદ વિના, આંતરિક માર્કેટની ચાર પાયારુપ આઝાદીના સ્વીકાર વિના કોઈ પાસપોર્ટિંગ, ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ કે ખેલાડીઓની મુક્ત એક્સેસ-સુવિધા મળી શકે જ નહિ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter