લંડનઃ બ્રેક્ઝિટના મતદાન પછી જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં જ બ્રિટનમાં નોકરી કરતા પૂર્વીય યુરોપિયનોની સંખ્યામાં ૫૦,૦૦૦નો વધારો જણાયો છે. રોજગારી તાજા આંકડા અનુસાર હવે EU8ના વર્કર્સની સંખ્યા ૧,૦૭૭,૦૦૦ થઈ છે, જે જૂન મહિનાના અંતના ત્રણ મહિનાના ગાળા અગાઉ ૧,૦૨૯,૦૦૦ હતી. યુકેમાં કામ કરતા બિન-યુકે નાગરિકોની સંખ્યા ગયા વર્ષમાં ૨૪૧,૦૦૦ જેટલી વધીને ૩.૪ મિલિયન થઈ હતી.EU8 દેશોમાં ઝેક રિપબ્લિક, ઈસ્ટોનિયા, હંગેરી, લેટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, સ્લોવેક રિપબ્લિક અને સ્લોવેનિયાનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી નોકરી કરનારાની કુલ સંખ્યા એક વર્ષ અગાઉ ૯૮૭,૦૦૦ હતી, જે ૨૦૧૧ના આ જ ત્રણ મહિનામાં ૬૮૯,૦૦૦ જેટલી હતી. આ વધારો સંપૂર્ણતઃ ઈયુ નાગરિકોને આધારિત છે, જે વર્કફોર્સ ૨૨૧,૦૦૦ વધીને ૨.૨૬ મિલિયન થયો હતો.યુરોપમાં ગ્રીસ જેવા દેશોમાં ભારે બેકારી છે ત્યાંથી લોકો નોકરીઓ કરવા યુકે સહિતના દેશોમાં જાય તેને યુરોપિયન કમિશન પ્રોત્સાહન આપી રહ્યું છે. અત્યારે ઈયુ દેશો વચ્ચે નોકરીઓ માટે જતાં જોબસીકર્સ ત્રણ મહિના સુધી તેમના મૂળ દેશ પાસેથી ત્રણ મહિનાનું બેરોજગારી એલાવન્સ મેળવી શકે છે. જોકે, ઈયુ અધિકારીઓ આ ગાળો છ મહિનાનો કરવા માગે છે, જેથી વધુ લોકો અન્યત્ર નોકરીઓ માટે જાય. બ્રિટન ઈયુ છોડે તે પહેલા આ યોજના અમલી બને તો બ્રેક્ઝિટ અગાઉ જ યુકેમાં નોકરી માટે નવો ધસારો વધી શકે છે.