લંડનઃ ઈયુની સર્વોચ્ચ કોર્ટ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ (ECJ) ના પ્રેસિડેન્ટ કોએન લેનાર્ટ્સે સ્પષ્ટ કર્યું છે કે યુકે અને બ્રસેલ્સ વચ્ચે કોઈ પણ બ્રેક્ઝિટ સમજૂતીમાં કોર્ટનો હસ્તક્ષેપ રહેશે. ઈયુ સાથેના વેપારી સોદાઓને પણ ECJ બદલી શકે છે. વડા પ્રધાન થેરેસા મેએ યુકેને યુરોપિયન કોર્ટના અધિકારક્ષેત્રમાંથી બહાર લાવવા વચન આપ્યું છે ત્યારે સંઘર્ષ વધી શકે છે.
લક્ઝમબર્ગસ્થિત કોર્ટ બ્રેક્ઝિટ પ્રક્રિયામાં સંકળાશે તેવા પ્રશ્નનો ઉત્તર બેલ્જિયન જજ કોએન લેનાર્ટ્સે હકારમાં આપી કહ્યું હતું કે ‘બ્રેક્ઝિટ પછી યુકે અને ઈયુ વચ્ચે સંભવિત વેપારી સમજૂતીઓમાં પણ કોર્ટ દખલગીરી કરી શકે છે. કોઈક સમયે આ મુદ્દો કોર્ટના કારણે નહિ પરંતુ, કોઈ દ્વારા કાનૂની કેસથી આખરે કોર્ટમાં જ આવશે.’ જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ECJ જજીસ રાજકીય બાબતોમાં સંકળાયા વિના કાયદાના અમલને જ મહત્ત્વ આપશે.
યુકે અને ઈયુ વચ્ચે વાટાઘાટો શરૂ થાય ત્યારે સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાં યુરોપિયન કોર્ટની ભૂમિકાનો પણ સમાવેશ થશે.
થેરેસા મેએ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે ઈયુ છોડવાનો અર્થ એ પણ છે કે આપણા કાયદા વેસ્ટમિન્સ્ટર, એડિનબરા, કાર્ડિફ અને બેલફાસ્ટમાં ઘડાશે અને કાયદાના અર્થઘટન લક્ઝમબર્ગ નહિ પરંતુ, દેશની કોર્ટ્સમાં જ થશે. ડોમેસ્ટિક કાનૂની વિવાદોમાં પણ ECJ જજીસની દખલગીરીથી યુકેના સાર્વભૌમત્વમાં માનતા બ્રેક્ઝિટતરફીઓમાં ભારે રોષ છે.