ઓટ્ટાવા: કેનેડાના બ્રોમ્પટન હિન્દુ મંદિરમાં થયેલી અથડામણની ઘટના સંદર્ભે હિન્દુ મંદિરના પૂજારીને ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. ત્રીજી નવેમ્બરે બ્રોમ્પટનમાં હિન્દુ સભાના મંદિરમાં ખાલિસ્તાની દેખાવકારોએ શ્રદ્ધાળુઓની મારપીટ કર્યાના વીડિયો વાઇરલ થયા હતા. જેના પગલે દુનિયાભરમાંથી આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ છઠ્ઠી નવેમ્બરે હિન્દુ સભા મંદિર દ્વારા નિવેદન બહાર પાડીને જણાવાયું છે કે રવિવારની ઘટનામાં દેખાવકારો સાથે પૂજારીની વિવાદાસ્પદ સંડોવણીના કારણે પૂજારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીજી તરફ બ્રોમ્પટન શહેરના મેયર પેટ્રિક બ્રાઉને એક્સ પર જણાવ્યું હતું કે પૂજારી ઉશ્કેરણીજનક ભાષણ કરીને વિવાદ ફેલાવતા હતા. મેયર બ્રાઉને હિંસા અને નફરતથી સમુદાયને દૂર રહેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે બહુમતી શીખ અને હિન્દુ સમુદાય સુમેળપૂર્વક જીવવા માંગે છે અને તેઓ હિંસા પસંદ કરતા નથી.
હિન્દુ મહાસભાના પ્રેસિડેન્ટ મધુસુદન લામાએ ભડકાઉ ભાષણ કરનારા પંડિતને સસ્પેન્ડ કર્યા છે. તો ઓન્ટારિયોના શીખ સમુદાય તથા ગુરુદ્વારા કાઉન્સિલે હિન્દુ સભા મંદિરમાં થયેલી હિંસાને રવિવારે રાત્રે જ વખોડી કાઢી હતી.