બૈજિંગ: સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'સંગમઃ ભારતીય દાર્શનિક પરંપરાઓનો મેળાપ’ નામના પરિસંવાદમાં પ્રસિદ્ધ ચીની વિદ્વાનોએ ભાગ લીધો હતો. મુખ્ય વક્તા હતા ભગવદ્ ગીતાનો ચીની ભાષામાં અનુવાદ કરનાર 88 વર્ષીય પ્રોફેસર ઝાંગ બાઓશેંગ. તેમણે ભગવદ્ ગીતાને ભારતીય આત્માના સાંસ્કૃતિક માનવ-શાસ્ત્ર ગણાવીને 1980ના દાયકામાં પોતાના ભારત-પ્રવાસનું સ્મરણ કરતા જણાવ્યું કે તેમણે ભારતીય સંસ્કૃતિમાં કૃષ્ણની હાજરી અનુભવી છે. તેમના મતે ગીતાના સંવાદમાં ભારતના નૈતિક સંકટ, આધ્યાત્મિક સંમિશ્રણ અને ધાર્મિક પુનર્જન્મનું પ્રતિબિંબ પડતું હોવાથી તે સભ્યતાનું શાશ્વત દર્પણ છે. ઝેજાંગ યુનિવર્સિટીના પ્રોફેસર વાંગ ઝી-ચેન્ગએ જણાવ્યું કે ભગવદ્ ગીતા એવો સંવાદ છે જે સદીઓ વીતવા છતાં આધુનિક સમસ્યા ઉકેલવા સમર્થ છે.


