ભારત-ઓસી. વચ્ચે મજબૂત સહયોગ સ્થિરતા માટે મહત્ત્વનાઃ અલ્બાનીઝ

Friday 10th March 2023 00:02 EST
 
 

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ 8 માર્ચથી 11 માર્ચ દરમિયાન ભારતના પ્રવાસે છે. દ્વિપક્ષીય મુદ્દાઓની ચર્ચા કરવાની સાથોસાથે તેઓ ભારતમાં હોળી રમશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદ ખાતે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ પણ નિહાળશે. વર્ષ 2017 પછી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અલ્બાનીઝ અમદાવાદ ઉપરાંત મુંબઇ અને નવી દિલ્હીની મુલાકાત લેવાના છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો ઉપરાંત બંને દેશોના લોકોના સંબંધ પણ ગાઢ બનશે.
ભારતની મુલાકાતે પહોંચતાં પહેલાં અલ્બાનીઝે જણાવ્યું હતું કે, ‘ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત સહયોગ સંબંધ પ્રદેશની સ્થિરતા માટે મહત્ત્વના છે. તે પછી વર્ષના મધ્ય ભાગમાં ક્વાડ નેતાઓની શિખર માટે ઓસ્ટ્રેલિયામાં વડા પ્રધાન મોદીને આવકારીશ. ફરી સપ્ટેમ્બરમાં જી-20 નેતાઓની શિખર બેઠકમાં ભારતની મુલાકાત લઇશ.' અલ્બાનીઝ તેમના વેપાર અને પર્યટન પ્રધાન ડોન ફેરેલ તેમ જ સંસાધન પ્રધાન મેડેલાઇન કિંગ ઉપરાંત બિઝનેસ અગ્રણીઓના પ્રતિનિધિ મંડળ સાથે ભારતની મુલાકાતે આવવાના છે.
ઓસ્ટ્રેલિયા-ભારત વાર્ષિક શિખર બેઠક
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બાનીઝ અને વડા પ્રધાન મોદી ઓસ્ટ્રેલિયા-ભારતના નેતાઓની વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં તેઓ વેપાર, રોકાણ, રિન્યૂએબલ એનર્જી, ટેકનોલોજી, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ જેવા મુદ્દે ચર્ચાવિચારણા કરશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેન્ની વોંગે તાજેતરમાં જ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ક્વાડ વિદેશ પ્રધાનોની બેઠક અને જી-20 વિદેશ પ્રધાનોની બેઠકમાં પણ ભાગ લીધો હતો. ગયા મહિને તેમણે ઓસ્ટ્રેલિયામાં વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter