નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની ચાર દિવસની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે. ભારત અને કેનેડાએ એક ઐતિહાસિક સમજૂતી અંતર્ગત 2.6 બિલિયન ડોલરના યુરેનિયમ તથા દુર્લભ ખનીજોના કરાર પર હસ્તાક્ષર કર્યાં છે.
ભારતની ચાર દિવસની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન માર્ક કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના આર્થિક ભાગીદારી કરારને ચાલુ વર્ષે મંજૂરી આપવા ઉપરાંત 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધારીને 50 બિલિયન ડોલરે પહોંચાડવાની જાહેરાત કરી હતી. યુરેનિયમ અને દુર્લભ ખનીજો ઉપરાંત બંને દેશો વચ્ચે ઈન્ડિયા-કેનેડા કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ)ની શરતો સહિત છ અન્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયાં હતાં.
બન્ને દેશોના વડાઓ વચ્ચે સંરક્ષણ, મહત્વની ટેક્નોલોજી, નાના અને મોડ્યુલર ન્યૂક્લિયર રિએક્ટર્સ, શિક્ષણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તથા રિન્યુએબલ એનર્જી સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત બન્ને દેશોએ ઉર્જા ક્ષેત્રે નવી ભાગીદારીની જાહેરાત કરી એલએનજી, પીએનજી, યુરેનિયમ, સોલાર તથા હાઈડ્રોજન ઉર્જા ક્ષેત્રે સાથે મળીને કામ કરવા સહમતિ દાખવી હતી. આ ભાગીદારી અંતર્ગત ભારત સરકાર અને સાસ્કાટૂન સ્થિત કેમેકો વચ્ચે 2.6 બિલિયન ડોલરનો કરાર કરાયો હતો.
આ કરાર હેઠળ ભારતને 2027-2035 દરમિયાન ઉર્જા ઉત્પાદન માટે 22 મિલિયન પાઉન્ડ યુરેનિયમનો જથ્થો પૂરો પાડશે. આર્થિક બાબતોમાં સહયોગ સાધવાની સાથે જ બન્ને દેશોએ ત્રાસવાદ, કટ્ટરવાદ તથા ઉગ્રવાદને સમગ્ર માનવજાત માટે પડકાર ગણાવી વૈશ્વિક શાંતિ માટેના ઉપાયો હાથ ધરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બન્ને વડાઓએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી લડાઈ અંગે પણ ચર્ચા કરી રાજદ્વારી સંવાદ દ્વારા શક્ય તેટલી ઝડપથી શાંતિ બહાલ કરવાની અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું છે. બંને દેશોના આર્થિક સહયોગની ક્ષમતાનો સંપૂર્ણ લાભ લેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે. હાલમાં બંને દેશો વચ્ચે આશરે 13 બિલિયન ડોલરનો વેપાર થાય છે.
ટી20 વર્લ્ડ કપમાં કેનેડાને રમતાં જોઈ આનંદ થયોઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેનેડાના પીએમ માર્ક કાર્નીએ સોમવારે ઈન્ડિયા-કેનેડા સીઈઓ ફોરમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને દેશોના સંબંધોને ક્રિકેટ સાથે સાંકળ્યાં હતાં. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં રમાઈ રહેલાં ટી20 વર્લ્ડ કપમાં કેનેડાની ટીમને રમતાં જોઈ આનંદ થયો હતો.
કયા મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર?
• યુરેનિયમ અને પરમાણુ સહયોગ: કેનેડાનાં વડાપ્રધાન કાર્ની સાથેની મંત્રણા પછી ભારત અને કેનેડાએ યુરેનિયમની ખરીદ વેચાણ અંગે ઐતિહાસિક કરાર કર્યો હતો. આ સિવાય નાગરિક પરમાણુ સહયોગ હેઠળ નાના અને મોડયુલર અણુ રિએકટર્સ વિકસાવવા બંને દેશો સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.
• ક્રિટિકલ મિનરલ્સઃ ભવિષ્યની ટેકનિક અને ઔદ્યોગિક સપ્લાય ચેનને સુરક્ષિત કરવા તેમજ મહત્વનાં ખનિજ ક્ષેત્રે સહયોગ માટે કરાર કર્યા
• નવીન ઊર્જા: સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે બંને દેશ નવીન ઉર્જાનો ઉપયોગ વધારવા સંમત થયા હતા.
• વ્યાપક આર્થિક વેપાર કરાર: બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને નવી ઉંચાઈએ લઈ જવા સંમતિ દર્શાવી હતી. જેમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે ટર્મ્સ ઓફ રેફરન્સનાં દસ્તાવેજને અંતિમ રૂપ અપાયું હતું. સાથે સાથે જ વ્યાપક આર્થિક વેપાર સહયોગને વહેલામાં વહેલી તકે અંતિમ રૂપ આપવાનું નક્કી કરાયું હતું.


