ભારત પર હુમલો થશે તો અમેરિકા ખડેપગે સાથ આપશેઃ ટ્રમ્પ

Thursday 25th June 2026 08:13 EDT
 
 

એવિયનઃ ફ્રાંસના એવિયનમાં ગયા સપ્તાહે યોજાયેલી G-7 સમિટમાં વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ જુસ્સાભેર મળ્યા હતા. બેઠક બાદ ભારત-અમેરિકા ડિફેન્સ ડીલને લઈ પૂછાયેલા સવાલ પર ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે આ ડીલ વિશેષ છે. મોદીના રહેતા ક્યારેય પણ ભારત પર હુમલો થશે તો અમેરિકા મદદ માટે સાથે ઉભું રહેશે. ટ્રમ્પે કહ્યું હાલમાં મારી ચીનની યાત્રા ખૂબ સફળ રહી છે. ટ્રમ્પનું નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ મનાય છે કે ગત વર્ષે ઓપરેશન સિંદૂર વેળા ચીને પાક.ને મદદ કરી હતી. ટ્રમ્પના આ વાયદાથી દુનિયાભરમાં નવું સૈન્ય સમીકરણ બનશે.

મુલાકાત પ્રારંભે મોદીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તે પછી બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત બન્યા છે. મોદીએ ટ્રમ્પ સમક્ષ કહ્યું કે સમુદ્રમાં ભારતીયોની સુરક્ષા જરૂરી છે. આશા છે કે ઇરાન ડીલમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે. ભારતીય નાવિકોના મોતના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે સુરક્ષાને સુનિશ્ચિત કરાશે.
ટ્રમ્પના પ્રયાસો પ્રશંસનીયઃ મોદી
બેઠકમાં મોદીએ કહ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પના પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસ સરાહનીય છે. તેમણે ત્રણ વાર ઈરાન ડીલ એટલે કે પશ્ચિમ એશિયાનો ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ સૌથી મોટી જરૂરિયાત છે. દરિયાઈ વેપાર ક્ષેત્રે દુનિયાભરના સમુદ્રમાં લાખો ભારતીય નાવિક કામ કરી રહ્યાં છે. મારા મતે તેમની સુરક્ષા એટલી જ મહત્વપૂર્ણ છે. પશ્ચિમ એશિયામાં શાંતિ સમજૂતિમાં નાવિકોની સુરક્ષાને સ્થાન મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter