ભારત-પાક. સાથસાથ સહિયારો નોબેલ પુરસ્કાર

Saturday 06th December 2014 04:48 EST
 
 

નોર્વેના પાટનગર સ્થિત નોબેલ ઈન્સ્ટિટ્યુટમાં શુક્રવારે રોયલ સ્વિડીશ એકેડેમીની કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ ૨૦૧૪ માટે કૈલાસ સત્યાર્થી અને મલાલાની પસંદગી થયાનું ચેરમેન યોર્બજોને મગલાને જણાવ્યું હતું.

ચેરમેન મગલાને જણાવ્યું હતું કે કૈલાસ સત્યાર્થીએ આર્થિક લાભો માટે થતાં બાળકોનાં શોષણ સામે શાંતિપૂર્ણ અને અહિંસક આંદોલનોનું નેતૃત્વ કર્યું છે. બાળઅધિકારો માટેના આંતરરાષ્ટ્રીય કરારોમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે.
જ્યારે મલાલાની પ્રશંસામાં તેમણે જણાવ્યું હતું કે કિશોરી હોવા છતાં મલાલાએ કન્યા કેળવણીના અધિકાર માટે વર્ષોસુધી સંઘર્ષ કર્યો છે. તેણે પુરવાર કર્યું છે કે બાળકો અને યુવાઓ પોતાની સ્થિતિ જાતે સુધારી શકે છે.
૬૦ વર્ષના સત્યાર્થીએ ભારતમાં બાળકોને બાળમજૂરી અને તસ્કરીથી મુક્ત કરાવવા ઇલેક્ટ્રિકલ એન્જિનીયરની કારકિર્દી છોડીને 'બચપન બચાઓ આંદોલન' નામની સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરી હતી. જ્યારે ૧૭ વર્ષીય મલાલા બે વર્ષ અગાઉ તાલિબાનોના જીવલેણ હુમલા છતાં જરાય ડર્યા વિના પાકિસ્તાન જેવા દેશમાં કન્યાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમ જ બાળકો-યુવાનો પરના અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે. મલાલાએ સૌથી નાની વયે નોબેલ પુરસ્કાર મેળવવાની સિદ્ધિ પણ મેળવી છે.
શાંતિ જ સમયની માગ
નોબેલ પુરસ્કાર જાહેર થયા બાદ કૈલાસ સત્યાર્થીએ કહ્યું હતું કે ભારતને ભલે સેંકડો દુર્ગુણોની માતા કહેવાતું હોય, પણ તે લાખો સમાધાનોની પણ માતા છે. આ ગાંધી અને મહાત્મા બુદ્ધની ધરતી છે. હવે સમય આવ્યો છે કરુણાના વૈશ્વિકીકરણનો.
હાલ બ્રિટનમાં રાજ્યાશ્રય લઇ રહેલી મલાલા યુસુફઝાઇએ કહ્યું હતું કે આ સન્માન દર્શાવે છે કે પાકિસ્તાન પણ શાંતિ ઝખે છે અને આ માત્ર અકસ્માત નથી કે મને ભારતના કૈલાસ સત્યાર્થીને સાથે નોબેલ મળ્યું છે. બન્ને દેશો શાંતિ માટે કામ કરે તે સમયની માગ છે.

સાથે મળી કામ કરીશું
મધ્ય પ્રદેશના વિદિશાના વતની અને હાલ દિલ્હીમાં સ્થાયી થયેલા કૈલાસ સત્યાર્થીએ નોબેલ પુરસ્કારની જાહેરાત બાદ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અમને બંનેને જે કામ માટે નોબેલ મળ્યું છે તે કામને વધારે ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક કરવા માટે સાથે કામ કરવું જરૂરી છે. હું ઇચ્છું છું કે મલાલા મારી સાથે જોડાય અને અમે સાથે મળીને બાળકોનું શોષણ થતું અટકાવીએ. અમારે હજુ ઘણા આગળ વધવાનું છે અને બન્ને દેશો વચ્ચે શાંતિ માટે પણ કામ કરવાનું છે.'
સત્યાર્થીની સ્વૈચ્છિક સંસ્થા 'બચપન બચાઓ આંદોલન' દ્વારા અત્યાર સુધીમાં ૮૦,૦૦૦ બાળકોને બાળમજૂરી અને તસ્કરીથી મુક્ત કરાવાયા છે. તેમણે દિલ્હી-મુંબઇ સહિતના મહાનગરોમાં બાળમજૂરોનું શોષણ કરતી ફેક્ટરીઓથી માંડીને ઓડિશા અને ઝારખંડના અંતરિયાળ ભાગોમાં હજુ પણ ગેરકાયદે રીતે રોજમદાર તરીકે કામે રખાતા બાળમજૂરો સહિત દેશના લગભગ તમામ ભાગોમાં બાળકોને શોષણથી મુક્ત કર્યા છે.

નોબેલ કમિટીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, 'હિન્દુ અને મુસ્લિમ, ભારતીય અને પાકિસ્તાની, શિક્ષણ માટેના અને ત્રાસવાદ વિરુદ્ધના સહિયારા સંઘર્ષમાં જોડાયા હોવાની બાબતને કમિટી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણે છે.'
આ પુરસ્કાર પોતાના તમામ ભારતીય સાથીઓને સમર્પિત કરતા સત્યાર્થીએ કહ્યું હતું કે હું મલાલાને વ્યક્તિગત રીતે જાણું છું. તે મારી દીકરી જેવી છે અને હું આ માટે તેને અપીલ કરીશ.
તેમણે કહ્યું કે લોકોએ ખુશ થવું જોઈએ કે, 'એક હિન્દુ અને એક મુસ્લિમને કે પછી એક ભારતીય અને એક પાકિસ્તાનીને નોબેલ પ્રાઈઝ મળ્યું છે. આવા સમયે લોકોએ આગળ આવીને અમારી સાથે જોડાઈને એક જ મુદ્દે લડાઈ લડવી જોઈએ.'
કૈલાસ સત્યાર્થીને નોબેલ પારિતોષક મળ્યાની જાહેરાત થતાંની સાથે જ તેમના વતન વિદિશામાં ઠેર-ઠેર ઉજવણી કરાઈ હતી. લોકોએ મીઠાઈ વહેંચીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ ઉપરાંત 'છોટી હવેલી' તરીકે જાણીતા સત્યાર્થીના નિવાસસ્થાને પણ ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી.

પ્રથમ ભારતીય
કૈલાશ સત્યાર્થી નોબેલ શાંતિ પુરસ્કાર જીતનારી સ્વતંત્ર ભારતમાં જન્મેલી પ્રથમ વ્યક્તિ છે. અગાઉ ૧૯૭૯માં નોબેલ શાંતિ પુરસ્કાર જીતેલાં મધર ટેરેસા આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય અવશ્ય હતા, પરંતુ તેમનો જન્મ અલ્બેનિયામાં થયો હતો.

દાવેદારોની યાદી ગુપ્ત
કૈલાસ સત્યાર્થી અગાઉ ઘણી વખત નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થઇ ચૂક્યા છે. જ્યારે મલાલા ગયા વર્ષે નોમિનેટ થઇ હતી.  વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની 'ટાઇમ' મેગેઝીનની યાદીમાં સ્થાન મેળવનાર મલાલાએ ગયા વર્ષે યુએનને સંબોધતા કહ્યું હતું કે આતંકવાદીઓ એમ માનતા હતાં કે તેઓ મારા લક્ષ્યાંકોને બદલી નાખશે અને મારી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી નહીં થવા દે, પરંતુ જુઓ, મારા જીવનમાં કંઇ બદલાયું નથી. મારામાંથી નબળાઇ, ભય અને નિરાશા ચાલ્યાં ગયાં છે. તેના સ્થાને સામર્થ્ય, શક્તિ અને સાહસનો જન્મ થયો છે. આ વર્ષે પુરસ્કાર માટે પોપ ફ્રાન્સિસ સહિત ૨૭૮ વ્યક્તિઓ નોમિનેટ થઇ હતી. જોકે આ યાદી ગુપ્ત રખાઇ છે.

કૈલાસ સત્યાર્થી કોણ છે?
ભારતીય કૈલાસ સત્યાર્થી ઇ.સ. ૧૯૫૪ના જાન્યુઆરીની ૧૪ તારીખે મધ્ય પ્રદેશના વિદિશામાં જન્મ્યા હતા. હાઇવ વોલ્ટેજ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ તેઓ ભોપાલની કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા હતા. ૧૯૮૦માં સત્યાર્થીએ શિક્ષણ ક્ષેત્રનો ત્યાગ કરીને બાળમજૂરી નાબૂદ કરવાનો સંકલ્પ કરી બચપન બચાઓ આંદોલન શરૂ કર્યું હતું. તેમણે બોન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટની સંસ્થા સ્થાપીને યુરોપ અને અમેરિકામાં પણ બાળમજૂરી વિરોધી જાગૃતિ ફેલાવી છે. તેઓ ‘યુનેસ્કો’ની ગ્લોબલ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ અમેરિકાની સેન્ટર ફોર વિક્ટીમ્સ ઓફ ટોર્ચર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્ય છે. સત્યાર્થીને નોબેલ પ્રાઇઝ અગાઉ પણ અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે. હાલમાં સત્યાર્થી તેમના પત્ની, પુત્રી, પુત્ર અને પુત્રવધૂ સાથે દિલ્હીમાં રહે છે.

મલાલા યુસુફઝાઈ કોણ છે?
મલાલા યુસુફઝાઇનો જન્મ ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં આવેલા મિંગોરા પ્રાંતમાં થયો હતો. અનેક પુરસ્કારોથી સન્માનિત મલાલા પાકિસ્તાનની મહિલા શિક્ષણ કાર્યકર છે. મલાલાના મૂળ વતન સ્વાત ખીણમાં તાલિબાનો યુવતીઓના શિક્ષણનો વિરોધ કરે છે. આ સમયે મલાલાએ છોકરીઓને ભણાવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું, જેના કારણે નવ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ જ્યારે તે સ્કૂલ બસમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે એક બંદૂકધારીએ તેના પર ત્રણ ગોળીઓ ચલાવી હતી. આથી તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે ઇંગ્લેન્ડ મોકલાઇ હતી. સદ્નસીબે સારવાર દરમિયાન તે બચી ગઈ હતી. મલાલાએ હાલ બ્રિટનમાં રાજ્યાશ્રય લીધો છે, અને સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter