દુબઇઃ વડાપ્રધાન મોદીની યુએઈની બે દિવસની મુલાકાત દરમિયાન ભારત-યુએઈ વચ્ચે 10 મહત્ત્વના સમજૂતી કરારો થયા છે. ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇન્વેસ્ટમેન્ટ્સ અને આર્કાઇવ્સ મેનેજમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં આ કરાર કરવામાં આવ્યા હોવાનું વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું.
ક્વાત્રાએ જણાવ્યું હતું કે હાલમાં ભારત અને યુએઈ વચ્ચેનો વેપાર 85 બિલિયન ડોલરનો છે. યુએઈ ભારતીય અર્થતંત્રમાં રોકાણ કરનાર ચોથા નંબરનું સૌથી મોટું રોકાણકાર છે. બંને દેશ વચ્ચે નવા કરાર થયા છે. તેની સાથે બંને દેશ વચ્ચેના સંબંધો નવા-નવા ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યા છે. તેની ફક્ત સ્થાનિક જ નહી, વૈશ્વિક સ્તરે પણ અસર જોવા મળશે. બંને દેશ વચ્ચે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવા માટે સમજૂતી કરાર થયા છે. તેમાં ડિજિટલ સ્પેસ જેવા ચાવીરૂપ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમા હાઈ પાવર કમ્પ્યુટિંગ, ડિજિટલ ઇનોવેશન, ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે.
ઇંડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ કોરિડોર ઝડપથી કાર્યરત કરવા સંમતિ
વડાપ્રધાન મોદીની આ મુલાકાત વખતે ભારત અને યુએઈ હુથી બળવાખોરોના હુમલા છતાં ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ કોરિડોરને ઝડપથી કાર્યાન્વિત કરવા માટે સંમત થયા છે. આ કોરિડોરને ચીનના બેલ્ટ રોડ એન્ડ ઇનિશિયેટિવના જવાબ તરીકે જોવામાં આવે છે. આ કોરિડોર ભારતથી શરૂ થઈ યુનાઇટેડ આરબ અમીરાત, સાઉદી અરેબિયા, જોર્ડન, ઇઝરાયેલ સાથે યુરોપને જોડશે.