નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના મોસ્કો પ્રવાસ દરમિયાન સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન જયશંકરે વ્લાદિમીર પુતિનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશ આપ્યો હતો.
જયશંકરે પુતિનને જણાવ્યું, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ પાઠવીને મારી વાત શરૂ કરવા માંગુ છું. તેમણે (મોદીએ) તમને આપવા માટે મને એક ખાસ સંદેશ આપ્યો છે, જે હું તમને આપવા માંગુ છું. બંને દેશો વચ્ચેના આર્થિક સહયોગ, વેપાર, ઉર્જા, ખાતર, પરમાણુ અને અન્ય ક્ષેત્રોમાં પણ નોંધનીય પ્રગતિ થઈ છે. એસ. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો આર્થિક સહયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. વડા પ્રધાન મોદી એસસીઓ શિખર સંમેલનમાં તમને (પુતિન) મળવા અને ત્યારબાદ બ્રિક્સ (BRICKS) શિખર સંમેલન માટે ભારતમાં તમારું (પુતિન) સ્વાગત કરવા માટે ઉત્સુક છે. બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું, આજનો તમારો (જયશંકર) આ પ્રવાસ દાયકાઓથી રશિયા અને ભારત વચ્ચે સ્થાપિત સંબંધોનું ઉચ્ચસ્તર દર્શાવે છે. આપણે લગભગ તમામ ક્ષેત્રોમાં મળીને કામ કરવાનું ચાલુ રાખીએ છીએ, જેમાં સરકારી સંબંધો, પરસ્પરના સંસદીય સંબંધો અને આર્થિક સહયોગ સામેલ છે. મને એ જાણીને ખુશી થઈ કે આ વર્ષે આપણા વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે.
પુતિને વધુમાં કહ્યું કે આ વર્ષે વેપાર વધારવામાં અને રશિયા-ભારતના સંબંધોને વિકસિત કરવામાં વડા પ્રધાન મોદીનું વ્યક્તિગત યોગદાન અને ધ્યાન મુખ્ય રહ્યું છે. ઉર્જા સિવાય ખાતરની સપ્લાય પણ એક મોટો મુદ્દો છે, અને રશિયા ભારતીય ખેડૂતો અને કૃષિ માટે આ સમસ્યાનું સમાધાન કરવા તથા પુરવઠો વધારવા માટે તૈયાર છે.
પરમાણુ ઉર્જા અને હાઈ-ટેક ક્ષેત્રોમાં પણ પ્રગતિ સ્થિર ગતિએ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર રશિયાના બે દિવસીય સત્તાવાર પ્રવાસ પર રવિવારે મોસ્કો પહોંચ્યા હતા.


