ભારત-રશિયા વચ્ચે રૂ. ૪૦,૦૦૦ કરોડના મિસાઇલ કરાર સહિત આઠ સમજૂતી

Wednesday 10th October 2018 08:18 EDT
 
 

નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચોથીથી ભારતના બે દિવસીય પ્રવાસે હતા. ચોથીએ તેઓ સાંજે તેઓ ભારત આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. આ પછી તેઓ મોડી રાત્રે રાત્રિભોજન વખતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને બંને વચ્ચે ભારત રશિયાના સંબંધો ગાઢ બનાવવા અંગે ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ પ્રાદેશિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ભારત અને રશિયા વચ્ચે દિલ્હીમાં યોજાયેલી ૧૯મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમાં રૂ. ૪૦,૦૦૦ કરોડના પાંચ એડવાન્સ્ડ એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદવાના સોદા પર હસ્તાક્ષર થયા છે. હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંત્રણાઓમાં મિસાઇલ સોદા ઉપરાંત આર્થિક વિકાસ, અવકાશી મિશન, રેલવે, ન્યુક્લિયર, ટ્રાન્સપોર્ટ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ખાતર ઉત્પાદન સહિતનાં ક્ષેત્રે સહકાર ક્ષેત્રે આઠ કરાર થયા હતા. ભારત રશિયા પાસેથી જે એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ મેળવવાનું છે તે એસ-૩૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમની સુધારેલી આવૃત્તિ છે. રશિયાની આલ્માઝ-એન્ટે કંપની દ્વારા નિર્મિત આ મિસાઇલ સિસ્ટમ રશિયાની સેનામાં ૨૦૦૭થી કાર્યરત છે. આ સિસ્ટમ વિવિધ પ્રકારનાં સુપર સોનિક અને હાઇપર સોનિક મિસાઇલ ઉપરાંત ૧૦૦થી ૩૦૦ જેટલાં લક્ષ્યાંક એક સાથે ટ્રેક કરી શકે તેવી લોંગ રેન્જ રડાર સિસ્ટમ ધરાવે છે. આ સિસ્ટમ ૪૦૦ કિલોમીટર દૂર રહેલા દુશ્મનનાં મિસાઇલ અને યુદ્ધવિમાનને ભેદી નાખવાની ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે આ આધુનિક મિસાઇલ અંગેના કરારથી અમેરિકાને પહેલાં આગ લાગી હતી જોકે પછીથી આગ પર પાણી છાંટતા અમેરિકાએ કહ્યું કે, અમારો ઇરાદો અમારા સહયોગીઓને નુકસાન પહોંચાડવાનો નથી.

આપણને એસ-૪૦૦ની જરૂર કેટલી

ચીન અને પાકિસ્તાનના સંભવિત ખતરાને ધ્યાનમાં લેતા એસ-૪૦૦ સિસ્ટમ ખૂબ જરૂરી છે. એરફોર્સ ચીફે પણ કહ્યું હતું કે એસ-૪૦૦ અને ફ્રાન્સ પાસેથી ખરીદાયેલા ૩૬ રાફેલ ફાઇટર જેટથી દેશની સૈન્ય ક્ષમતા મજબૂત થશે.
દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંક ૩૦ બિલિયન ડોલર
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બાદમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, અમે ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૫ સુધીમાં ૩૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવા માગીએ છીએ. હું મોદીને સપ્ટેમ્બર ૨૦૧૯માં યોજાનારી બિઝનેસ સમિટમાં આવવાનું આમંત્રણ આપું છું.

રશિયા વ્યૂહાત્મક ભાગીદાર

મોદીએ જણાવ્યું હતું કે, રશિયા ભારતનો વિશેષાધિકાર ધરાવતો વ્યૂહાત્મક ભાગીદાર દેશ છે. ભારત રશિયા સાથેના સંબંધોને હંમેશા ટોચની પ્રાથમિકતા આપે છે. રશિયા હંમેશાં ભારતની પડખે રહ્યો છે. બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ અને સુદૃઢ બનશે.

અમેરિકાની અકડાઇ ઢીલી પડી

અમેરિકાએ ભારતને અગાઉ ધમકી આપી હતી કે જો રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશો તો ભારત પર શિક્ષાત્મક પ્રતિબંધો લદાઈ શકે છે. ભારત અને રશિયા વચ્ચેના મિસાઇલ સોદા પછી અમેરિકાએ સાવચેતીભર્યું વલણ દાખવતાં જણાવ્યું કે, અમે રશિયા પર પ્રતિબંધ લાદવા માગીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને કારણે અમારા સાથીદેશોની લશ્કરી ક્ષમતાઓ પર અસર પડે.
ઉલ્લેખનીય છે કે ભારતને શસ્ત્રો પૂરાં પાડતો બીજો સૌથી મોટો દેશ અમેરિકા છે જ્યારે પહેલો નંબર રશિયાનો આવે છે. આ નવી સમજૂતી રશિયા માટે મોટી જીત અને અમેરિકા માટે ઝાટકો છે. ટ્રમ્પ તથા અમેરિકી સાંસદોએ ભારતને રશિયા સાથે ડિફેન્સ ડીલ કરવા પર આર્થિક પ્રતિબંધ લાદવાની ધમકી આપી હતી. ભારતે ધમકીઓને અવગણીને આ સોદો કર્યો. એ પછી ટ્રમ્પ વહીવટીતંત્રના સૂર પણ બદલાઈ ગયા. અમેરિકી દૂતાવાસે કહ્યું કે તેના દ્વારા લાદનારા પ્રતિબંધ રશિયાને દંડિત કરવા માટે છે. અમેરિકી પ્રતિબંધોનો હેતુ તેના સહયોગી દેશોની સૈન્ય ક્ષમતાને નુકસાન પહોંચાડવાનો ક્યારેય નથી.

અમેરિકા આગ ઓક્યા પછી ઠંડુ કેમ પડ્યું?

રશિયા પાસેથી એસ-૪૦૦ સિસ્ટમ ખરીદવા બદલ અમેરિકાએ ચીન પર પ્રતિબંધ લગાવ્યા હતા, પણ ભારત પર પ્રતિબંધ લાદવાની સ્થિતિમાં નથી, કેમ કે ચીનના વધતા પ્રભાવનો મુકાબલો કરવા અમેરિકા ભારત સાથે નિકટના સંબંધો ઇચ્છે છે.

ચીન અને પાકિસ્તાનની નજર

અમેરિકાની થાડ મિસાઇલ્સ કરતાં પણ વધુ શક્તિશાળી મિસાઈલ્સના આ સોદાથી એર ડિફેન્સ ક્ષેત્રે ભારત શક્તિશાળી બની જશે. તેથી ભારતના પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું છે. ભારત આ સિસ્ટમ ખરીદશે તો ચીન, પાકિસ્તાન તેનાં રડારમાં આવી જશે આથી ચીન અને પાકિસ્તાન ભારત દ્વારા આ સિસ્ટમની ખરીદીની તરફેણમાં નથી.

ભારત ઈરાન પાસેથી ક્રૂડ પણ ખરીદશે

ભારતે મિસાઇલ કરાર ઉપરાંત જાહેર કર્યું છે કે અમેરિકાના પ્રતિબંધ અમલમાં આવે તે પછી પણ તે ઈરાન પાસેથી ક્રૂડની આયાત ચાલુ રાખશે. ભારતની ઓઇલ કંપનીઓએ ઇરાન પાસેથી ૧.૨૫ મિલિયન ટન ક્રૂડની આયાતનો કરાર કર્યો છે અને તેની ચૂકવણી રૂપિયામાં કરવાની તૈયારી ચાલી રહી છે.

ભારત દ્વારા વિશ્વને સંદેશ

સરકારે અમેરિકા સહિત વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત વ્યૂહાત્મક સ્વાયત્તતાના ભોગે કોઈ સંબંધો જાળવવાનો પ્રયાસ કરશે નહીં. રશિયા સાથે મિસાઈલ કવચ સોદો ભારત માટે બૂસ્ટર શોટ સમાન બની રહેશે. અભેદ્ય મિસાઈલ કવચ આપતી આ સિસ્ટમ વડે પાકિસ્તાન અને ચીન સામે બેવડા મોરચે યુદ્ધ લડાય તો પણ દૂશ્મનના દાંત ખાટા કરી શકાય છે. અગાઉ ભારતે ૧૨ સ્કવોડ્ન ખરીદવાની યોજના બનાવી હતી, પરંતુ ત્યાર બાદ પાંચ સ્કવોડ્ન ખરીદવાન નિર્ણય લેવાયો હતો. એરફોર્સના વડા બી.એસ. ધનોઆના જણાવ્યા અનુસાર ભારતીય હવાઈદળના હાથમાં બુસ્ટર શોટ આવી ગયો છે.

ભારત અને રશિયા વચ્ચે થયેલા કરાર

૧ વિદેશ મંત્રાલયો વચ્ચે સંપર્ક માટે પ્રોટોકોલનો કરાર.
૨ આર્થિક વિકાસ માટે એમઓયુ.
૩ અંતરિક્ષ કાર્યક્રમોમાં સહકાર માટે કરાર.
૪ રેલવે ક્ષેત્રે સહકારના એમઓયુ
૫ પરમાણુ ક્ષેત્રે સહકાર વધારવા એક્શન પ્લાન.
૬ પરિવહન ક્ષેત્રે સહકારનો કરાર.
૭ લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં સહકારના એમઓયુ.
૮ ખાતરઉત્પાદનમાં કરાર.

એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ

૦૫ સ્ક્વોડ્રન એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદાશે
૦૪ પ્રકારની મિસાઇલનો સિસ્ટમમાં સમાવેશ
૪૦૦ કિ.મી.ની રેન્જમાં ટાર્ગેટ પર પ્રહારક્ષમતા
૪,૮૦૦ કિ.મી./સેકન્ડની ઝડપે આવતા ટાર્ગેટને વીંધવાની ક્ષમતા
૩૦૦ ટાર્ગેટને એકસાથે શોધતાં લોંગ રેન્જ રડાર
૬૦૦ કિ.મી. રેન્જમાં આવતા ટાર્ગેટને શોધતાં રડાર
૩૬૦ ડિગ્રીમાં સ્કેન કરી નિશાનને ભેદી શકે છે
૦૩ મિસાઇલ એક સાથે છોડવાની ક્ષમતા
૩૬ લક્ષ્યાંક એકસાથે વીંધવાની ક્ષમતા
૭૨ મિસાઇલ એક ચરણમાં સામેલ
૧૦ મિનિટમાં તહેનાત કરી શકાય


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter