ભારત સહિત વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી

Tuesday 23rd June 2020 17:37 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોનાના સંકટ વચ્ચે રવિવારે ૨૧મી જૂને છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમોના કારણે જાહેર કાર્યક્રમોનું આયોજન ન થયું હોવા છતાં છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેશ-વિદેશમાં લાખ્ખો લોકોએ ભારે જોશ અને ઊત્સાહ સાથે યોગ કરીને વર્ચ્યુઅલ ઉજવણીમાં ભાગ લીધો હતો. શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ભારતે વર્ષો પૂર્વે વિકસાવેલી યોગ વિદ્યાની ઉજવણીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં છવાયાં હતાં. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ ઈંગ્લેન્ડ, ચીન, તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ વગેરે દેશોમાં લોકોએ માસ્ક પહેરીને યોગના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
કોરોનાના કારણે મોટી સંખ્યામાં લોકો ડિજિટલ પ્લેટફોર્મ્સ પર યોગ ઇવેન્ટ્સમાં જોડાયા હતા. વિદેશમાં સૌપ્રથમ ઇવેન્ટની શરૂઆત ન્યૂ ઝીલેન્ડમાં થઇ હતી. ન્યૂ ઝીલેન્ડના મુખ્ય શહેરો ક્રાઇસ્ટચર્ચ વેલિંગ્ટન અને ઓકલેન્ડમાં યોગની વિવિધ ઇવેન્ટ્સ યોજાઈ હતી. અફઘાનિસ્તાનમાં પર્વત શિખર પર મહિલાઓએ ડિસ્ટન્સિંગ સાથે યોગાસન કર્યાં હતાં. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની ચર્ચિત ઓટોમિયમ બિલ્ડિંગ સહિત ઘણા સ્થળે ઇવેન્ટ્સ થઇ હતી. વોશિંગ્ટન સ્થિત ભારતીય રાજદ્વારી તરનજીત સિંઘ સંધુએ ભારતીય એમ્બસીના ઓફિસિઅલ્સ સાથે યોગ કર્યો હતો. હોલિવૂડ અને વિદેશી સ્ટાર્સ પણ યોગના ઓનલાઈન કાર્યક્રમમાં જોડાયા હતા.
ચીનના બિજિંગમાં આવેલા ઈન્ડિયા હાઉસ ખાતે ભારતીય એમ્બેસેડર વિક્રમ મિસરીની આગેવાનીમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી. બ્રિટનમાં ડિજિટલ પ્રોજેક્શન અને વેબિનારની સિરીઝ થકી ઓનલાઈન યોગ સેશન યોજાયા હતા. આ વેબિનારને ‘ઘર ઘર સે યોગ’ નામ આપવામાં આવ્યું હતું. ‘ઘરે યોગ કરો અને પરિવાર સાથે યોગ કરો’ તેવી થિમ સાથે ભારતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં સેનાના જવાનોથી માંડીને રાજકારણીઓએ તેમજ સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય નાગરિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં યોગ કર્યાં હતાં અને તેની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યાં હતાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ તેમના ઘરે યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો હતો અને યોગની મહત્તા અંગેનો મેસેજ આપ્યો હતો. યોગ દિવસે વહેલી સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ મિનિટ સુધી દેશને સંબોધન કર્યું હતું.
યોગ એકતા અને માનવતા સર્જે
મોદીએ કહ્યું કે યોગ લોકોને નજીક લાવે છે અને સંગઠિત કરે છે. તે લોકોમાં ભેદભાવ સર્જતો નથી. તે લોકોમાં રંગભેદ, જાતિવાદ, ધર્મવાદ, સર્જતો નથી. તે લોકોની શ્રદ્ધાથી અને
જુદાજુદા રાષ્ટ્રોથી પર છે. કોઈપણ વ્યક્તિ યોગ કરી શકે છે.
એકબીજાની જોડે તે જ યોગઃ મોદી
ભારતમાં છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાથી આખા વિશ્વમાં અજંપો છે, ત્યારે યોગનો સહારો નવી દિશા દેખાડી શકે તેમ છે. આપણને જે એકબીજાની સાથે જોડે-સાથે લાવે તે જ યોગ છે. વંશ, જાતિ, રંગ, ધર્મ અને રાષ્ટ્રોથી પણ આગળ વધીને એકતાને વધુ દૃઢ કરે છે. કોરોના મહામારીના સમયમાં વિશ્વને હાલ યોગની તાતી જરૂર છે. યોગની મદદથી વિશ્વભરના ઘણા કોવિડ-૧૯ના દર્દીઓ આ રોગને હરાવવામાં સફળ થયા છે.
પ્રાણાયામથી રોગ પ્રતિકારક શક્તિ વધે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, પ્રાણાયામ એટલે કે શ્વાસને અંકુશમાં રાખવાની પ્રેક્ટિસથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને યોગ શરીરને ચુસ્ત અને સ્ફુર્તિમય રાખે છે. કોરોનાના કારણે આ વખતે દેશ-વિદેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને યોગ દિવસ મનાવાયો હતો. ઠેરઠેર લોકો એકલા અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને યોગ દિવસ ઉજવે તે માટે જ આ વર્ષે યોગા એટ હોમ-યોગા વિથ ફેમિલી થિમ રખાઈ હતી. મોદીએ કહ્યું કે કોરોના આપણા શ્વસનતંત્ર પર હુમલો કરે છે જ્યારે પ્રાણાયામ આપણા શ્વસનતંત્રને વધુ મજબૂત કરે છે. તે એક પ્રકારની શ્વાસ લેવાની અને તેને અંકુશમાં રાખવાની પદ્ધતિ અને કસરત છે. સામાન્ય રીતે અનુલોમ-વિલોમ અને પ્રાણાયામની પ્રચલિત પદ્ધતિ છે. આપણે તેને રોજબરોજના જીવનમાં વણી લેવી જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને ચયાપચયની ક્રિયાને વધુ મજબૂત કરવા યોગા અને કસરત મહત્ત્વનાં છે.
યોગથી કોરોનાના અનેક દર્દી સાજા થયા
મોદીએ કહ્યું હતું કે, યોગને કારણે કોરોનાના અનેક દર્દી સાજા થયાં છે. વિશ્વમાં અનેક લોકોને તેનાથી મહામારી સામે લડવામાં ફાયદો થયો હતો. મુશ્કેલ સમયમાં લડવા યોગને કારણે લોકોમાં વિશ્વાસ જાગ્યો હતો અને લોકો વિજયી થયા હતા. યોગને કારણે શારીરિક શક્તિ વધે છે અને મનને શાંતિ મળે છે. ૨૧ જૂન ૨૦૧૫થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યા પછી આ વખતે પહેલીવાર તેની ડિજિટલ ઉજવણી કરાઈ હતી.
કર્મયોગથી તમામ સમસ્યાનો ઉકેલ
મોદીએ કહ્યું કે યોગ અને કર્મયોગ એકબીજાના પૂરક છે. કર્મયોગથી તમામ સમસ્યાઓનો ઉકેલ મળે છે. સારી રીતે કામ કરવું અને ફરજ બજાવવી એ પણ યોગનો એક પ્રકાર છે. કર્મયોગ અન્યોને નિઃસ્વાર્થ બનાવે છે.
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે યોગદિવસે ટ્વિટ કર્યું હતું કે, યોગથી શરીર અને મન વચ્ચે ઐક્ય સધાય છે. તે વૈચારિક શક્તિ અને કાર્યશૈલીને સક્રિય કરે છે, માનવતા અને કુદરત વચ્ચે સમન્વય સધાય છે. સમગ્ર માનવજાતને તે ભારતની અણમોલ ભેટ છે. મોદીજીના પ્રયાસોને કારણે આખા વિશ્વને તેનો લાભ મળ્યો છે. સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter