ભારત સામે મંડાયેલા પાક.ના પરમાણુ શસ્ત્રોની યુએસ દ્વારા શોધ

Saturday 19th November 2016 07:11 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકાના વિજ્ઞાનીઓએ સેટેલાઈટ તસવીરો અને એ સિવાયના દસ્તાવેજોના આધારે શોધી કાઢ્યું છે કે, પાકિસ્તાને તેનાં ૧૪૦ પરમાણુ હથિયારો ક્યાં તૈનાત કર્યા છે. ભારતને નિશાન બનાવીને પાકિસ્તાને પંજાબ અને બલૂચિસ્તાનમાં પણ પરમાણુ હથિયારો છુપાવી રાખ્યા છે. અમેરિકન વિજ્ઞાનીઓએ અભ્યાસપૂર્ણ અહેવાલ રજૂ કરીને કહ્યું હતું કે, પાકિસ્તાને તેની પાસે રહેલા ફ્રેન્ચ બનાવટના મિરાજ અને અમેરિકન બનાવટના લડાકુ વિમાન એફ-૧૬માં જરૂરી ફેરફાર કરીને પરમાણુ હુમલો કરવા તૈયાર કરી રાખ્યા છે.

ભારતને પરમાણુ પોલીસીની સલાહ આપતા પાકિસ્તાને તો માત્ર ભારતથી ૧૦૦ કિલોમીટર દૂરની સરહદે જ પરમાણુ હથિયાર છુપાવી રાખ્યા છે. તેમ અમેરિકાએ કહ્યું હતું.

પાકિસ્તાનને કેટલાક હથિયારો પંજાબ પ્રાંતમાં રાખ્યા છે તો કેટલાક હથિયારો બલૂચિસ્તાનમાં પણ રાખ્યા છે. અમેરિકન વિજ્ઞાની હેન્સ એમ ક્રિસ્ટનસેને કહ્યું હતું કે, અત્યારે પાકિસ્તાનના પાંચ એરબેઝ પર તો પરમાણુ હથિયારો તૈયાર જ છે. જેમાં સિંધપ્રાંતના અકોરા, પાક. પંજાબ પ્રાંતના ગુજરાનવાલા, બલૂચિસ્તાનના ખુજદાર, સિંધપ્રાંતના પાનો અકિલ અને સરગોધામાં આ શસ્ત્રો હોવાનો અંદાજ છે. આ તમામ સ્થળે ભારતને ધ્યાનમાં રાખીને પરમાણુ હથિયારો તૈનાત કરાયા હોવાનો ઈશારો અમેરિકન વિજ્ઞાનીઓ કર્યો છે.

ભારત પરમાણુ હુમલાની પહેલ કરી શકે: પાકિસ્તાન

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકરિયાએ આ અંગે તાજેતરમાં જ કરેલા ભારતના સંરક્ષણ પ્રધાન પાર્રિકરના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, ભારત પરમાણુ હુમલાની પહેલ કરી શકે છે. ઝકરિયાએ ભારતની પરમાણુ પોલીસી અંગે કહ્યું હતું કે, ભારત વર્ષોથી દાવો કરતું આવે છે કે તે પાકિસ્તાન ઉપર પરમાણુ હુમલાની પહેલ નહીં કરે, પણ એ વાત માની શકાય નહીં. મનોહર પાર્રિકરે ગયા સપ્તાહે નિવેદન આપ્યું હતું કે, ભારતે પોતાની પહેલા પરમાણુ હથિયારો પ્રયોજવાની પોલીસીમાં ફેરફાર કરવા જોઈએ. ભારત પરમાણુ શક્તિ છે અને જરૂર પડે તો પરમાણુ હથિયારો પ્રયોજવા જોઈએ. પોતાનો કક્કો ખરો કરવા પાકિસ્તાને આ નિવેદનનો ઉપયોગ કર્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter