ભારતમાં બિનજરૂરી પ્રવાસ ટાળો: ઇયુ

Friday 21st May 2021 09:18 EDT
 
 

નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયન દ્વારા તાજેતરમાં જ વિવિધ દેશોના પ્રતિનિધિઓને બોલાવાયા હતા અને સર્વાનુમતે નક્કી કરાયું છે કે, સભ્ય દેશો પોતાના નાગરિકોને ટ્રાવેલ એડવાઈઝરી જારી કરે. એડવાઈઝરી પ્રમાણે યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના નાગરિકોને ભારતનો બિનજરૂરી પ્રવાસ ન કરવા જણાવાયું છે. તેમાં જણાવાયું છે કે, ભારતમાં વાઈરસના નવા વેરિઅન્ટના કારણે સ્થિતિ વણસેલી છે અને તેનો ચેપ યુરોપમાં ન ફેલાય તે કારણે થોડો સમય વિદેશ પ્રવાસ ઉપર મર્યાદા લાવવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, WHO દ્વારા B.૧.૬૧૭.૨ કોરોના વેરિઅન્ટને ચિંતાજનક અને ભયાનક ગણાવવામાં આવ્યા બાદ યુરોપના દેશોએ પોતાના નાગરિકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. યુરોપના દેશોને ભારતના પ્રવાસ ઉપર ઈમર્જન્સી બ્રેક લગાવવા અપીલ કરાઈ છે.

જ્યાં સ્થિતિ કાબૂમાં હશે ત્યાંથી પ્રવાસીઓ આવવા દેવાશે
મહત્ત્વની વાત એ છે કે, ગત અઠવાડિયે જ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ત્યાં જૂન મહિનાથી ટ્રાવેલ ઉપરના પ્રતિબંધો હળવા કરાશે. ખાસ કરીને જે દેશોમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે તેવા દેશોમાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ ચાલુ કરવામાં આવશે. દરમિયાન ભારત અંગે વિશેષ ચેતવણી આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, યુરોપના નાગરિકોએ ત્યાં જવાનું ટાળવું અને ભારતના નાગરિકોને પણ બિનજરૂરી પ્રવાસ માટે પરવાનગી આપતા પહેલાં ચકાસણી કરી લેવી. ભારતથી આવનારા લોકો માટે કડક તપાસ અને ક્વોરન્ટાઈનનું આયોજન પણ કરવા કહેવાયું હતું.
કેટલાક દેશો દ્વારા આ મુદ્દે હજી કોઈ નક્કર જાહેરાત કરાઈ નથી છતાં સર્વાનુમતે સાવચેતી રાખવાનો સૂર જોવા મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter