ટોરન્ટો: કેનેડામાં પંજાબી મૂળની પ્રસિદ્ધ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. નેન્સીને કેનેડાના ભૂતપુર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ખાલિસ્તાનીઓની આકરી ટીકાકાર તરીકે જોવામાં આવતી હતી.
એક અહેવાલ અનુસાર, કેનેડાના લાસેલમાં તેના પર ચપ્પુના અસંખ્ય ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે કેનેડાના વિન્ડસરમાં રહેનારી નેન્સીની હત્યા ગયા મંગળવારની રાત્રે કરી દેવામાં આવી હતી. પોલીસ અનુસાર નેન્સી મંગળવારે રાત્રે લગભગ 9:30 કલાકે ગંભીર ઇજાગ્રસ્ત અવસ્થામાં મળી આવી હતી, તે લાહીલુહાણ હાલતમાં હતી. તેને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ વધારે પડતું લોહી વહી જવાના કારણે તેનું મોત થયું હતું.
હત્યાના આ ઘટનાક્રમ પાછળ ખાલિસ્તાનવાદી અંતિમવાદીઓનો હાથ હોવાની આશંકા સેવવામાં આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી અને ઘટનાની વિશદ તપાસ ચાલી રહી છે. આ વિસ્તાર ખુબ જ શાંત માનવામાં આવે છે ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા ઊભી કરી છે. નેન્સીના પરિવારે હત્યા પાછળ મોટું કાવત્રું જવાબદાર હોવાનું જણાવ્યું છે.


