દુબઇઃ યુએઈના મહાનગરમાં બીજું વિશાળ હિંદુ મંદિર આકાર લઇ રહ્યું છે. આજકાલ જોરશોરથી તેનું કામ ચાલી રહ્યું છે. અને જો બધું આયોજન નિર્ધારિત સમય પ્રમાણે પાર પડ્યું તો ૨૦૨૨ની દિવાળી દરમિયાન તેના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લાં મૂકાઇ ગયા હશે. અબુધાબીમાં સાકાર થઇ રહેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ મંદિર પછી આ બીજું ભવ્ય મંદિર હશે. આશરે ૮૨ હજાર ચોરસ મીટરમાં બની રહેલા આ મંદિરમાં ૧૫ દેવી-દેવતાની પ્રતિમાને સ્થાપિત કરાશે. અહીં એક સાથે ૧૫૦૦થી વધુ શ્રદ્ધાળુ દર્શન કરી શકશે અને મોટા આયોજનમાં સામેલ પણ થઈ શકશે. આ શાનદાર મંદિરની વિશેષતા એ હશે કે તેમાં ભારતીય અને અરબી સંસ્કૃતિનો સોનેરી સમન્વય જોવા મળશે.
૨૪ મીટર ઊંચા આ મંદિરનો બહારનો દેખાવ પરંપરાગત અરબી મશરબિયા ડિઝાઈનથી પ્રેરિત છે, જ્યારે મંદિરની અંદર સંપૂર્ણપણે ભારતીય હિંદુ સંસ્કૃતિની ઝલક દેખાશે. આ મંદિરની બહારની ડિઝાઈન માટે સાઉદી અરબ અને જોર્ડનથી પથ્થરો મગાવાયા છે. મંદિરનો પ્રાર્થના હોલ ૫ હજાર ચોરસ મીટરનો હશે. તેમાં સફેદ અને કાળા પથ્થરોનો સમન્વય દેખાશે. તેની અંદરના પિલ્લરની ડિઝાઈન ગુજરાતના ભવ્યાતિભવ્ય સોમનાથ મંદિરથી પ્રેરિત છે. આ મંદિરનું શિખર હિંદુ મંદિરની નાગર શૈલીની વાસ્તુકલા આધારિત છે.
દુબઇની કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ)ના જણાવ્યા પ્રમાણે જબેલ અલીના ગુરુ નાનક સિંહ દરબારની બાજુમાં આકાર લઇ રહેલું આ મંદિર બુર દુબઇમાં આવેલા સિંધિ ગુરુ દરબારનો એક ભાગ છે. કોવિડ-૧૯ મહામારીના કારણે મંદિરની શિલાન્યાસ વિધિ ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ એક સાદગીપૂર્ણ સમારોહમાં યોજાઇ હતી. હિન્દુ ટેમ્પલ-દુબઇના એક ટ્રસ્ટી રાજુ શ્રોફે ગલ્ફ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે તેમ ૧૯૫૦માં માત્ર એક રૂમમાં સ્થપાયેલું મંદિર આજે ૭૦,૦૦૦ ચોરસ ફૂટમાં વિસ્તરી રહ્યું છે તે બાબત યુએઇ અને દુબઇના શાસકોની ઉદાર વિચારસરણીનું પ્રતીક છે. યુએઇના શાસકોની ઉદારતા અને દુબઇની કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટીના સહકાર વગર આ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનું નિર્માણ શક્ય જ નહોતું.
નિર્માણ પૂરું થયે આ મંદિર હિન્દુ અને અરેબિક સંસ્કૃતિના સમન્વયનું પ્રતીકસમાન બની રહેશે. આ પૂર્વાભિમુખ મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શિવજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરાશે. મંદિર સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્ર શૈલીને કેન્દ્રમાં રાખીને બની રહેલા આ મંદિરના પહેલા માળે વિશાળ પ્રાર્થના હોલ હશે, જેમાં વિવિધ દેવ-દેવીઓનું સ્થાપન કરાશે.
રૂ. ૫૫૦ કરોડના ખર્ચે નિર્માણ
મંદિરના જનરલ મેનેજર ગોપાલ કોકાણીએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે, આ મંદિર નિર્માણ પાછળ રૂ. ૫૫૦ કરોડનો ખર્ચ થશે. આ મંદિર સંપૂર્ણપણે બની ગયા પછી દુબઈના જાણીતા શેખ જાએદ રોડ પરથી તેનું પિત્તળનું શીખર જોવા મળશે. મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક સમારંભો માટે એક ભવ્ય બેન્ક્વેટ હોલ, કીચન, શૈક્ષણિક હોલ ઉપરાંત લગ્નપ્રસંગ સહિતના વિવિધ આયોજનો માટે પણ જગ્યા રાખવામાં આવી છે.