નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જિવાએ એવું જણાવ્યું કે, ઇન્ડિયન ઇકોનોમી સુસ્તીના માહોલમાં પસાર થઈ રહી છે, પરંતુ તેમા મંદી જેવું કંઈ નથી. વર્ષ ૨૦૧૯ના મોટા આર્થિક સુધારા જેવા કે જીએસટી અને નોટબંધની અસર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે ઇન્ડિયન ઇકોનોમીમાં આજે જે કંઈ પણ જોવા મળી રહ્યું છે તેને આર્થિક મંદી ન કહી શકાય. ઇન્ડિયન ઇકોનોમીએ હકીકતમાં ૨૦૧૯માં અચાનક મંદીનો અનુભવ કર્યો છે. અમારે અમારા વિકાસના અનુમાનો સુધારિત કરવા પડયાં છે જે ગત વર્ષ માટે ચાર ટકાથી નીચે હતો. અમને ૨૦૨૦માં ૫.૮ ટકા અને પછી ૨૦૨૧માં ૬.૫ ટકાના વૃદ્ધિ દરની આશા છે. એવું લાગે છે કે સ્લોડાઉન પાછળનું મુખ્ય કારણ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા છે.
તેમણે કહ્યું કે ભારતે કેટલાક મહત્ત્વના સુધારાઓ કર્યાં છે જે લાંબા ગાળે ભારતને લાભદાયી નિવડશે પરંતુ તેને માટે થોડા સમય લાગી શકે છે. જોકે આ આર્થિક સુધારાઓની ટૂંકા ગાળાની કોઈ અસર નહીં પડે. ઉદાહરણ તરીકે, યુનિફાઇડ ટેક્સ સિસ્ટમ તથા નોટબંધી જેવા પગલાંઓની અસર થઈ છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે ભારતમાં ઘણી ફિસ્કલ સ્પેસ રહેલી છે. પરંતુ અમારી એવી ધારણા છે કે સરકારની નીતિઓ પ્રૂડન્ટ રહી છે. ભારતની નોન બેન્કિંગ નાણાં કંપનીઓમાં સર્જાયેલી કટોકટી તેમજ સ્વદેશી માગમાં થયેલા તીવ્ર ઘટાડાને કારણે ભારતનો આર્થિક વિકાસ દર ઘટશે. દેવામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને કારણે પણ મંદી ઘેરી બની છે.