ઓટ્ટાવાઃ કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો વધુ આકરા કરાયા છે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી)ના તાજેતરના ડેટા અનુસાર, 2025માં સ્ટુડન્ટ વિઝાની 62 ટકા અરજીઓ નકારાઇ છે. આ આંકડો 2024ના 52 ટકા અને પાછલા વર્ષોના સરેરાશ 40 ટકા રિજેક્શન રેટથી ઘણો વધારે છે.
આઈઆરસીસી રેકોર્ડ દર્શાવે છે કે આ રિજેક્શન રેટ છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. રિપોર્ટ મુજબ, તેનું સૌથી વધુ નુકસાન ભારતીય વિદ્યાર્થીઓને થયું છે. તેમની 80 ટકા વિઝા અરજી નકારાઇ છે. 2024માં કેનેડામાં 10 લાખથી વધુ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ હતા, જે અમેરિકા પછી બીજા ક્રમે સૌથી મોટી સંખ્યા છે. તેમાંથી, 41 ટકા વિદ્યાર્થી ભારતના હતા. નિષ્ણાતોના મતે, રહેઠાણના અભાવ અને નાણાકીય સ્થિતિ અંગે ચિંતાઓને કારણે વિઝા રિજેક્શન વધ્યું છે.