ભારતીય સંસ્કૃતિ અને રામાયણના દૃશ્યોથી શોભતું ઇન્ડોનેશિયાનું પ્રંબાનન મંદિર કળાકૃતિથી નીખર્યું

Tuesday 09th June 2026 07:15 EDT
 
 

જકાર્તાઃ વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં આવેલું પ્રખ્યાત પ્રંબાનન મંદિર પરિસરમાં રવિવારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સ્થાનિક કલાકાર અરોફી રમધાનની 9 મીટર ઊંચી ફાઇબર ગ્લાસ કલાકૃતિ ‘સનફ્લાવર એન્જલ’ લાઈટ્સથી ઝગમગી ઊઠતાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા અને તસવીરો લેવા ઉમટી પડ્યા હતા. આધુનિક કલા અને પ્રાચીન વારસાના આ સંગમ પાછળ એક રસપ્રદ ઈતિહાસ પણ છુપાયેલો છે.
નવમી સદીમાં નિર્માણ
પ્રબાનન મંદિર સંકુલનું નિર્માણ નવમી સદીમાં થયું હતું. આજે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. અંદાજે 1,100 વર્ષ જૂનું આ મંદિર ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિંદુ મંદિર સંકુલ ગણાય છે. સંકુલનું સૌથી ઊંચું શિવ મંદિર આશરે 47 મીટર ઊંચું છે. તેની સામે ઉભેલું 'સનફુલાવર એન્જલ' લગભગ પાંચમા ભાગનું છે. પ્રંબાનનની એક બીજી રસપ્રદ ઓળખ તેની દિવાલો પર કોતરાયેલા રામાયણના દૃશ્યો છે.
ભારતીય સંસ્કૃતિના પ્રભાવનું પ્રતીક
ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, અહીંના શિલ્પો નવમી સદીના જાવાની કલાકારોની કુશળતા દર્શાવે છે. આ કારણે મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિના પ્રભાવનું મહત્વનું પ્રતીક પણ મનાય છે. મંદિર સાથે જોડાયેલી રોરો જોંગગ્રાંગ નામની લોકપ્રિય દંતકથા પણ સ્થાનિક લોકોમાં જાણીતી છે. માન્યતા મુજબ, એક રાજકુમારીના શ્રાપથી એક સમયે જંગલ અને જવાળામુખીની રાખ નીચે દટાઈ ગયેલું આ મંદિર 19મી સદીમાં ફરી વિશ્વના ધ્યાનમાં આવ્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે. આ પૃષ્ઠભૂમિમાં 9 મીટર ઊંચું ‘સનફ્લાવર એન્જલ’ જાણે હજારો વર્ષ જૂના પથ્થરો વચ્ચે આધુનિક સર્જનાત્મકતાનો નવો રંગ ભરી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter