ટોરોન્ટો: કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે. ટોરોન્ટો સુપિરિયર કોર્ટના જજ જસ્ટિસ જેન કેલીએ 2022ની 7 એપ્રિલ અને 9 એપ્રિલે થયેલી બે અલગ અલગ હત્યાઓ મામલે આરોપી રિચાર્ડ એડવિનને ફર્સ્ટ ડિગ્રી હત્યાનો દોષી ઠેરવ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, કોર્ટે તેને પેરોલ વગર આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીએ 21 વર્ષીય કાર્તિકને ગોળી માર્યાની કબૂલાત કરી હતી. જોકે, બચાવ પક્ષે દલીલ કરી હતી કે ઘટના સમયે તે સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતો અને સાચા-ખોટા વચ્ચેનો તફાવત પારખી શકતો ન હતો, જેના કારણે તે ગુનાઈત રીતે જવાબદાર નથી.


