મંગળ પર ઓક્સિજન પેદા થાય છે, પણ કઇ રીતે એ રહસ્ય હજુ વણઉકલ્યું!

Saturday 30th November 2019 05:06 EST
 
 

વોશિગ્ટનઃ મંગળની સપાટી પર રહેલા ઓક્સિજનના પ્રમાણમાં અસાધારણ વધ-ઘટ થતી જોઇને સંશોધકો ચોંકી ઉઠ્યા છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુ પ્રમાણે મંગળના વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓમાં વધ-ઘટ થતી હોય છે, પરંતુ ઓક્સિજનનું પ્રમાણ સ્થિર રહેવું જોઇએ. કેમ કે ઓક્સિજન ત્યારે જ વધી શકે જ્યારે કોઇક રીતે પેદા થતો હોય. મંગળની સપાટી પર ૨૦૧૨ની સંશોધન કરી રહેલા ‘નાસા’ના ક્યુરિયોસિટી રોવર યાન દ્વારા એકઠી કરાયેલી વિગતમાં ઓક્સિજનની આ વધ-ઘટ જોવા મળી છે. આ વિશે સંશોધનપત્ર રજૂ કરનાર ભારતીય મૂળના સંશોધક સુનિલ અત્રેએ જણાવ્યું હતું કે મંગળ વિશેનું આ સંશોધન સૌથી મહત્વપૂર્ણ અને રહસ્યમય ઘટના છે. મંગળનું વાતાવરણ ૯૫ ટકા કાર્બન, ૨.૬ ટકા નાઇટ્રોજન, ૧.૯ ટકા આર્ગોન અને ૦.૦૬ ટકા ઓક્સિજનથી બનેલું છે. આ સરેરાશ પ્રમાણ છે. ઓક્સિજન સિવાયના ત્રણેય વાયુઓ વિવિધ ઋતુઓ અનુસાર વધતા-ઓછા થતા હોય તો તેની કોઇ નવાઇ નથી, પરંતુ ક્યુરિયોસિટી રોવરે ઓક્સિજનના પ્રમાણમાં ૩૦ ટકા સુધીનો વધારો નોંધ્યો છે. આ વધારો અસાધારણ છે. વળી આ વધારો થયા પછી ફરીથી વાયુનું પ્રમાણ ઘટે છે એટલે કે વધ-ઘટની સાઇકલ ચાલતી રહે છે. ‘નાસા’ના વિજ્ઞાની મેલિસા ટ્રેઇનરે કહ્યું હતું કે આ એક મોટું આશ્ચર્ય છે. મંગળ પર ઓક્સિજન કદાચ કોઇ કેમિકલ તત્વ અથવા તો સપાટીની નીચે રહેલા કોઇ પદાર્થમાં આવતો હોવા જોઇએ પણ ક્યાંથી આવે છે એ ખબર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter