નવી દિલ્હી: એક પક્ષીની ઉડાન કેટલી લાંબી હોઈ શકે? 100, 500 કે 1,000 કિમી? પરંતુ એક બાજ પક્ષીએ તેની ફ્લાઇંગ સ્કિલથી સૌને દંગ કરી દીધા છે. માત્ર 150 ગ્રામ વજન ધરાવતા આ બાજે વચ્ચે પળભર પણ અટક્યા વિના એકધારી ઉડાન કરીને માત્ર 6 દિવસ અને 8 કલાકમાં મણિપુરના જંગલોથી કેન્યા સુધીનું 6,100 કિમીનું અંતર કાપ્યું છે. આ દરમિયાન તેની સાથે અન્ય બે બાજ પક્ષી પણ હતા, જેમણે અનુક્રમે 5,600 અને 5,100 કિમીની ઉડાન ભરી હતી.
આ ત્રણેય એમુર ફાલ્કન પ્રજાતિના છે, જે કદમાં સૌથી નાનું બાજ પક્ષી છે. ત્રણેયની ઉડાન પર સેટેલાઈટ ટેગ દ્વારા દેખરેખ રખાઇ હતી. તેમની ઉડાનથી વિજ્ઞાનીઓ પણ ચોંકી ગયા છે. આ ત્રણેય બાજના નામ અપાયાંગ, અલાંગ અને આહૂ છે. તેમાંથી અપાપાંગ સૌથી આગળ રહ્યું, જેના પર ઓરેન્જ કલરનું ટેગ લાગેલું હતું. તે પૂર્વ ભારતમાંથી ઉડાન ભરીને અરબી સમુદ્ર પાર કરી આફ્રિકાના ગીચ જંગલોમાં થઈને કેન્યા સુધી પહોંચી ગયું. વિજ્ઞાનીઓની જાણમાં આટલા નાના પક્ષીએ એક જ ઉડાનમાં આટલું લાંબું અંતર કાપ્યાની આ પહેલી ઘટના છે. બીજું બાજ પક્ષી અલાંગ કે જે ત્રણેયમાં ઉંમરમાં સૌથી નાનું છે તેના પર યલો કલરનું ટેગ હતું. તેણે 6 દિવસ અને 14 કલાકમાં 5,600 કિમી અંતર કાપ્યું. જોકે, આ દરમિયાન તેણે તેલંગણમાં થોડો સમય રાત્રિ વિશ્રામ કર્યો અને મહારાષ્ટ્રમાં લગભગ ત્રણેક કલાકનો વિરામ લીધો હતો. ત્યાર બાદ કેન્યા સુધીની ઉડાન તેણે અવિરત પૂરી કરી હતી. ત્રીજા બાજ આહૂ પર રેડ કલરનું ટેગ લાગેલું હતું. તેણે થોડી ઉત્તર તરફથી ઉડાન ભરતાં પશ્ચિમ બાંગ્લાદેશમાં થોડીવાર માટે બ્રેક લીધો હતો. પછી અરબી સમુદ્ર ઉપરથી ઉડાન આરંભીને તે પાંચ દિવસ અને 14 કલાકમાં 5,100 કિમી અંતર કાપીને સોમાલિયાના ઉત્તર ભાગમાં પહોંચ્યું હતું. અનુમાન છે કે તે તેના સાથીઓને મળવા માટે કેન્યા પહોંચી શકે છે.


