માઈગ્રન્ટ્સના લીધે યુકેના કેટલાક વિસ્તારો ‘નો- ગો ઝોન્સ’

Monday 26th September 2016 10:02 EDT
 
 

લંડનઃ હંગેરીની સરકારે યુકેની રાજધાની લંડન સહિત કેટલાક વિસ્તારોને ‘નો- ગો ઝોન્સ’ ગણાવતી વિવાદિત પત્રિકાઓ તેના લાખો પરિવારોમાં વહેંચી છે. ઈયુ માઈગ્રન્ટ્સ ક્વોટાના રેફરન્ડમના ભાગ તરીકે વહેંચાયેલી આ પત્રિકાઓ સામે બ્રિટિશ રાજદ્વારીઓએ વિરોધ દર્શાવ્યો છે. બ્રસેલ્સ દ્વારા ઈટાલી અને ગ્રીસમાં આવતા ઈમિગ્રન્ટ્સના પ્રવાહમાંથી ઈયુના અન્ય દેશોમાં તેમને વસાવવાની યોજના છે. આ ક્વોટા મુજબ હંગેરીએ ૧૫૦૦ ઈમિગ્રન્ટ્સ લેવાના થશે, જેના સંદર્ભે બીજી ઓક્ટોબરે જનમત લેવાશે.

આ પત્રિકાઓમાં દાવો કરાયો છે કે યુરોપિયન શહેરોમાં સેંકડો ‘નો- ગો ઝોન્સ’ છે, જ્યાં સત્તાવાળાઓ અંકુશ જાળવી શકતા નથી અને ત્યાં સામાજિક ધારાધોરણો લાગુ પડતા નથી. સૂચિત ઝોન્સની યાદી દર્શાવાઈ નથી પરંતુ, નકશામાં લંડનમાં ‘નો-ગો’ નિશાની દર્શાવાઈ છે. અન્ય પાંચ વિસ્તારોમાં સાઉધમ્પ્ટન અને પીટરબરાનો સમાવેશ થાય છે. યુરોપમાં અન્ય શહેરો પેરિસ, બર્લિન, માર્સેલી, સ્ટોકહોમ અને કોપનહેગનને પણ ‘નો-ગો’ વિસ્તારો તરીકે દર્શાવાયા છે.

આ પત્રિકામાં એવી ચેતવણી અપાઈ છે કે,‘આ કહેવાતા ‘નો-ગો’ વિસ્તારો શહેરોના એવા વિસ્તારો છે, જ્યાં સત્તાવાળા પોતાનો અંકુશ જાળવી શકતા નથી સમાજના લિખિત કે અલિખિત ધોરણો લાગું પડતાં નથી. આ યુરોપિયન શહેરોમાં મોટી સંખ્યામાં માઈગ્રન્ટ્સ વસે છે ત્યાં સેંકડો ‘નો-ગો’ ઝોન્સનું અસ્તિત્વ છે.’ હંગેરીના વિદેશપ્રધાન પીટર સિજાર્ટોએ બીબીસીટુના ન્યુઝનાઈટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ માહિતી સંબંધિત દેશોની પોલીસના સત્તાવાર રિપોર્ટ્સ અને સમાચારો પર આધારિત છે. યુરોપમાં ‘નો-ગો’ ઝોન્સ છે અને હંગેરીમાં અમે આવી પરિસ્થિતિ ઈચ્છતા નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter