ટોક્યોઃ જાપાનના વૈજ્ઞાનિકોને એક અનોખા સંશોધન માટે આપવામાં આવતો પ્રખ્યાત ઇગ નોબેલ પુરસ્કાર મળ્યો છે. આ સંશોધનમાં તેમણે જાણ્યું કે ગાયો પર ઝેબ્રા જેવી ચટ્ટાપટ્ટા રંગવાથી તેમને પજવતી માખીઓથી લગભગ 50 ટકા સુધી સુરક્ષા મળે છે. માખીઓના કારણે પશુઓને તણાવ, વજનમાં ઘટાડો અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો જેવી સમસ્યાઓ થાય છે. અને આ સમસ્યાથી બચવા માટે ખેડૂતો સામાન્ય રીતે જંતુનાશકોનો ઉપયોગ કરે છે. બીજી તરફ, આ પ્રયોગ દર્શાવે છે કે સામાન્ય સફેદ-કાળા પટ્ટાઓ ગાયોને રાહત આપવા ઉપરાંત જંતુનાશકો પરની નિર્ભરતા પણ ઘટાડી શકે છે.
ઇગ નોબેલ પુરસ્કાર મજાકિયા લાગતા સંશોધન માટે આપવામાં આવે છે. ભલે આ વાસ્તવિક નોબેલ પુરસ્કાર નથી, પરંતુ તેને નોબેલ પુરસ્કાર મેળવી ચૂકેલા વૈજ્ઞાનિકો જ આપે છે અને તેના માટે અમેરિકાના બોસ્ટનમાં એક મોટો સમારોહ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષનો આ પુરસ્કાર જાપાનના આઈચી એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટરના સંશોધકોની ટીમને આપવામાં આવ્યો છે. તેમના પ્રયોગની પ્રારંભે ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ તેની અસરકારકતાએ લોકોને તેને ગંભીરતાથી લેવા મજબૂર કરી દીધા છે તેમાં બેમત નથી.


