માનવજાતનો વિનાશ ઈચ્છતી રોબોટ સોફિયાને સાઉદીમાં સિટિઝનશિપ

Thursday 02nd November 2017 10:22 EDT
 
 

રિયાધઃ સાઉદી અરેબિયામાં યોજાયેલા એક ઈકોનોમિક ફોરમમાં સોફિયા નામની રોબોટને સત્તાવાર રીતે નાગરિકત્વ આપવામાં આવ્યું છે. યંત્રમાનવને કોઈ દેશે સિટિઝનશિપ આપી હોવાનો આ પહેલો બનાવ છે.

રોબોટે તેને મળેલા સન્માન બદલ સાઉદીના રાજાનો આભાર માન્યો છે. સાઉદી અરેબિયાએ ઈકોનોમિક ફોરમનું આયોજન કર્યું હતું. જેનો હેતુ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવાનો હતો. સાઉદી અરેબિયા આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનું હબ બનવાની ઈચ્છા ધરાવે છે અને એના ભાગરૂપે વિશેષ રીતે બનાવવામાં આવેલી ફિમેલ રોબોટ સોફિયાને નાગરિકતા આપવામાં આવી હતી.

સંમેલનમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે દેશને આધુનિક બનાવવાની યોજના હેઠળ હું ઉદાર ઇસ્લામનું પુનરાગમન ઇચ્છું છું. રોબોટ સોફિયા માનવીઓ વચ્ચે તેમની જેમ જ રહેવા માટે બનાવવામાં આવી છે. રોબોટ સોફિયાને હોંગકોંગની હેનસ રોબોટિક્સ કંપનીએ બનાવ્યો છે.

ઈકોનોમિક ફોરમમાં સોફિયાએ લોકોને સંબોધ્યા હતા અને પોતાને મળેલા સન્માન બદલ સાઉદી અરેબિયાના રાજાનો આભાર માનતા કહ્યું હતું કે હું નામદાર કિંગની અત્યંત આભારી છું, જેમણે મને સિટિઝનશિપ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

રોબોટ સોફિયાને ત્યાં હાજર પત્રકારોએ વિવિધ સવાલો કર્યા હતા. જેના તેણે જવાબો પણ આપ્યાં હતા. રોબોટ સોફિયા ચહેરા ઉપર હાવભાવ બદલીને સવાલ પ્રમાણે ગંભીર કે હળવાશ દર્શાવતી જોવા મળતી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે સાઉદીમાં સિટિઝનશિપ મેળવ્યા પછી હવે તેનો ઉદ્દેશ્ય શું હશે? આના જવાબમાં રોબોટ સોફિયાએ કહ્યું કે માણસની સુખાકારી માટે રોબોટ મદદે આવે છે. હું પણ એ જ કામ કરીશ. સાઉદી અરેબિયામાં આ મુદ્દે વિરોધ પણ ઉઠયો છે. કેટલાક લોકોએ કહ્યું હતું કે મશીનને જે અધિકારો મળ્યા છે એ દેશમાં મહિલાઓને પણ મળતા નથી. પહેલાં એવા અધિકારો મહિલાઓને આપવા જોઈએ.
કેટલાક લોકોએ ફિમેલ રોબોટ સોફિયાને બુર્કો પહેરાવવાની હિમાયત પણ કરી હતી. ગંભીર બાબત એ છે કે આ રોબોટ સોફિયા માનવજાતના વિનાશની ઈચ્છા ધરાવે છે. તેને બનાવનારા એન્જિનિયર ડેવિડ હેન્સને તેને સવાલ પૂછ્યો હતો કે શું તું માનવજાતનો વિનાશ નોતરવાની ઈચ્છા રાખે છે? પ્લીઝ ના પાડજે! જોકે આના જવાબમાં રોબોટ સોફિયાએ કહ્યું કે ‘હું માનવજાતનો વિનાશ નોતરીશ’.
સાઉદી અરેબિયાના સંસ્કૃતિ અને સૂચના મંત્રાલયના કમ્યુનિકેશન વિભાગે સત્તાવાર રીતે રોબોટ સોફિયાને નાગરિકતા મળી હોવાનું જણાવ્યુ હતું અને દેશના નાગરિકોને અપીલ કરી હતી કે તે આ નવા અને ખાસ નાગરિકનું દેશમાં સ્વાગત કરે. ઈકોનોમિક ફોરમમાં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ વિભાગના વિવિધ વક્તાઓમાંથી એક સત્તાવાર માનવંતા વક્તાનું નામ છે: રોબોટ સોફિયા!

સોફિયાની વિશેષતા

• ચહેરા પરના હાવભાવ ઓળખીને કોઈની સાથે પણ સામાન્ય વાતચીત કરવામાં સક્ષમ છે. • તે માનવીની જેમ અલગ-અલગ ઇમોશન્સ પણ દર્શાવે છે. • આપણી આંખો ભારે કે ધીમા પ્રકાશના હિસાબે બદલાય છે, એવી જ રીતે સોફિયાની પણ આંખો બનાવવામાં આવી છે. • ટોક શોમાં ભાગ લઇને વિજેતા બની ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter