માનસિક શાંતિની તલાશમાં 53 લગ્ન!

અબુ અબ્દુલ્લાહ હવે વધુ લગ્ન કરવા માગતો નથી

Saturday 01st October 2022 06:24 EDT
 
 

કેરોઃ સામાન્યતઃ માનવી શાંતિની શોધમાં અધ્યાત્મ કે ઈશ્વરભક્તિ તરફ વળી જતો હોય છે પરંતુ, સાઉદી અરેબિયાના 63 વર્ષીય અબુ અબ્દુલ્લાહે માનસિક શાંતિની શોધમાં 53 લગ્ન કરી નાખ્યા છે. જોકે, આટલા લગ્ન કર્યા પછી પમ તેને શાંતિ કે સ્થિરતા મળી છે કે એ તો સ્પષ્ટ થતું નથી પરંતુ, તેમનું કહેવું છે કે આ તેના છેલ્લા લગ્ન છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ ‘પોલિગેમિસ્ટ ઓફ ધ યર’ના હુલામણા નામે ઓળખાયેલા અબુ અબ્દુલ્લાહે કહ્યું છે કે આ લગ્નો તેણે અંગત મોજમજા માટે નથી કર્યા. અત્યારે તેને એક પત્ની છે અને ફરી લગ્ન કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.
અબુ અબ્દુલ્લાહનું કહેવું છે કે, ‘હું પહેલી વખત પરણ્યો ત્યારે એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન કરવાનું કોઈ આયોજન ન હતું કારણ કે મને સારું લાગતું હતું અને મારે બાળકો પણ હતા. પરંતુ, થોડા સમય પછી સમસ્યાઓ ઉભી થઈ અને હું 23 વર્ષનો થયો ત્યારે બીજાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને પત્નીને તેની જાણ પણ કરી દીધી હતી.’

તેણે કહ્યું કે આ પછી પહેલી અને બીજી પત્ની વચ્ચે કંકાસ સર્જાયો અને તેણે ત્રીજાં અને ચોથાં લગ્ન કરી લીધાં. અબુ કહે છે કે આ પછી તેણે પહેલી, બીજી અને ત્રીજી પત્નીને તલ્લાક આપી દીધાં. 43 વર્ષમાં 53 લગ્ન કરનાર અબુ કહે છે કે આટલી સંખ્યામાં લગ્ન કરવા પાછળનું કારણ તેને ખુશ-સુખી કરી શકે તેવી સ્ત્રીની તલાશ હતી. તેણે બધી પત્ની સાથે સારો વ્યવહાર રાખવાનો પ્રયત્ન કર્યો હતો.
અબુ કહે છે કે, ‘મેં આટલા લાંબા સમયમાં 53 સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. પહેલાં લગ્ન કર્યા ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી અને પત્ની મારા કરતાં 6 વર્ષ મોટી હતી. વિશ્વમાં દરેક માણસ હંમેશા એક જ સ્ત્રી સાથે રહેવા ઈચ્છતો હોય છે. યુવાન સ્ત્રી સાથે સ્થિરતા મળતી નથી પરંતુ, મોટી વયની સ્ત્રી સાથે મળે છે.’
અબુ અબ્દુલ્લાહના મોટા ભાગના લગ્ન સાઉદી સ્ત્રી સાથે થયાં છે. તેણે દરિયાપારની બિઝનેસ ટ્રીપ્સ દરમિયાન વિદેશી સ્ત્રીઓ સાથે પણ લગ્ન કર્યા છે તે ત્રણથી ચાર મહિના બહાર રહેતો હતો અને ખરાબ સોબતથી દૂર રહેવા લગ્ન કરી લેતો હતો. તેનું સૌથી ઓછાં સમયનું લગ્ન માત્ર એક રાત્રિ પૂરતું જ હતું. ઈસ્લામમાં એક સાથે ચાર પત્ની રાખવાની છૂટ હોય છે. જો પુરુષ પોતાની બધી પત્ની સાથે ન્યાયી વર્તન ન કરી શકે તો તેણે એક જ વખત લગ્ન કરવા જોઈએ.
અબુનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થવા સાથે તેની સ્ટોરી ચોતરફ ફેલાઈ ગઈ છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ઘણાએ તેને શાબાશી આપી છે તો ઘણાએ એમ કહીને ટીકા પણ કરી છે કે આમાં ગૌરવ લેવાં જેવું કશું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter