વોશિંગ્ટનઃ દિગ્ગજ બિલિયોનેર તેમજ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના સીઈઓ એલન મસ્કનું કહેવું છે કે તેમના એક પુત્રનું નામ શેખર છે, અને તેમની પાર્ટનર શિવોન ભારતીય વંશજ છે. મસ્કે જીરોધાના સહસ્થાપક નિખિલ કામત સાથે પોડકાસ્ટ ઉપર મન ખોલીને વાત કરી હતી, જેમાં તેમણે પર્સનલ તેમજ પ્રોફેશનલ બાબતો પણ આવરી લીધી હતી.
કામતના પોડકાસ્ટ સાથે વાતચીત કરતાં બિઝનેસમેન મસ્કે એમ પણ કહ્યું કે, તેમના પુત્રના નામમાં ભારતીય શબ્દ શેખરનો ઉપયોગ થાય છે. મસ્કે આની પાછળનું રહસ્ય છતું કરતાં કહ્યું હતું કે મને ખબર નથી કે તમે જાણો છો કે નહીં, પણ મારી પાર્ટનર શિવોન ઝિલીસ હાફ ઇંડિયન છે. મારા એક પુત્રનું નામ ખગોળશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ મેળવનાર ભારતીય-અમેરિકન વિજ્ઞાની સુબ્રમણ્મ્ ચંદ્રશેખર ઉપરથી રખાયું છે.
મસ્કને જ્યારે પૂછાયું કે તેમના પાર્ટનર શિવોનનો ભારત સાથે કઇ રીતે સંબંધ છે ત્યારે તેમણે કહ્યું હતુંઃ ભારત સાથે તેનો સંબંધ પૈતૃક છે. તેમના પિતા ભારતની કોઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હતા. તે પછી કેનેડા ગયા, શિવોનને તેમણે દત્તક લીધી હતી. તે નાની હતી ત્યારે કેનેડામાં જ તેને દત્તક લેવામાં આવી હતી. શિવોનનો ઉછેર કેનેડામાં થયો છે અને ત્યાંથી યેલ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિકસ અને ફિલોસોફીમાં ગ્રેજ્યુએટ બન્યા છે.
શિવોન ઝિલીસે વર્ષ 2017માં મસ્કની ન્યુરોલિન્ક કંપની જોઈન કરી હતી. હાલમાં તે કંપનીમાં ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ તરીકે ફરજ બજાવે છે.


