ઓટ્ટાવાઃ માર્ક કાર્ની સરકારે આવતા વર્ષ સુધીમાં 2 લાખ ટેમ્પરરી રેસિડન્ટ્સ (અસ્થાયી રહેવાસીઓ)ને કાયમી વસવાટ (પીઆર) આપવાની યોજના બનાવી છે. આનો ફાયદો ત્યાં રહી રહેલા પાત્ર ભારતીય કામદારોને પણ મળી શકે છે. જોકે, ભારતીયો કે અન્ય કોઈ દેશ માટે અલગ ક્વોટા નથી.
આ યોજનામાં એક લાખ જગ્યાઓ કામદારો અને તેમના પરિવારો માટે હશે. બાકીની એક લાખ જગ્યાઓ પરિવારોને સાથે રાખવા અને માનવીય કારણોસર કેનેડામાં રહી રહેલા લોકો માટે હશે. રાજ્યો પોતાની જરૂરિયાત મુજબ નામ સૂચવી શકશે. સરકારના જણાવ્યા અનુસાર, આ યોજના એવા લોકો માટે છે જેઓ પહેલાથી જ કેનેડામાં છે. સરકારના મતે, લાંબા સમયથી પેન્ડિંગ પડેલી અરજીઓનો પણ નિકાલ કરાશે. ઓક્ટોબર 2024માં કેનેડામાં આશરે 30 લાખ અસ્થાયી રહેવાસી હતા. જુલાઈ 2026 સુધીમાં આ સંખ્યા ઘટીને 28 લાખ થઈ છે. સરકાર આગામી વર્ષના અંત સુધીમાં દેશની વસ્તીમાં તેમનો હિસ્સો 5 ટકાથી નીચે લાવવા માગે છે. બીજી તરફ, વિપક્ષે આવાસ, સારવાર અને રોજગારી પર પડતા દબાણનો હવાલો આપીને આ યોજનાનો વિરોધ કર્યો છે.
કેનેડામાં 2025માં 2,15,250 ભારતીયોની વર્ક પરમિટ અને 94,025 ભારતીયોની સ્ટડી પરમિટ પ્રભાવી થઈ હતી. બંને શ્રેણીમાં ભારત પ્રથમ હતું. કેનેડાએ 2029 સુધીમાં દર વર્ષે 3.80 લાખ નવા પીઆર અને 3.70 લાખ અસ્થાયી રહેવાસીના પ્રવેશનો લક્ષ્યાંક રાખ્યો છે. વિશેષ યોજનાના 2 લાખ પીઆર આ ઉપરાંત છે.


