મુંબઇઃ મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી વસાહતીઓને નોકરી મળવી મુશ્કેલ થઈ ગઈ છે.
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે દુબઈ, અબુ ધાબી સહિતના શહેરોમાં પ્રવાસન, એરલાઈન્સ અને વિદેશી પ્રવાસીઓ પર નિર્ભર કારોબાર પર ગંભીર અસર થઈ છે. એક અહેવાલમાં ભારતીય મૂળના એકાઉન્ટન્ટ રહેમાનને ટાંકીને જણાવાયું હતું કે તેઓ કેટરિંગ કંપનીમાં કામ કરતા હતા. યુદ્ધના કારણે તેમની કંપની બંધ થઈ જતાં ગંભીર આર્થિક કટોકટીમાં મૂકાઇ ગયા છે. યુદ્ધના માહોલ વચ્ચે અનેક કંપનીઓએ નવા લોકોની ભરતી બંધ કરી દીધી છે.
દુબઈની 546 કંપનીઓમાં કરાયેલા એક સરવે મુજબ પ્રત્યેક ચારમાંથી એક એમ્પ્લોયરે 2026ના ત્રીજા ત્રિમાસિકમાં છટણીની યોજના બનાવી છે જ્યારે પ્રત્યેક ત્રણમાંથી એક કંપનીએ નવી ભરતી નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
યુએઈની સરકારે ઉદ્યોગોને મંદીમાંથી બહાર કાઢવા 68 કરોડ ડોલરથી વધુનું સહાય પેકેજ જાહેર કર્યું છે. દુબઈમાં કામ કરીને પોતાના વતનમાં નાણાં મોકલનારા લોકો પર આ મંદીની ભારે અસર થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થોડોક સમય માટે યુદ્ધવિરામ થતાં પરિસ્થિતિ ઝડપથી સુધરી જશે તેમ મનાતું હતું, પરંતુ ફરી એક વખત બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થવાથી હવે સ્થિતિ વધુ વણસી રહી છે.


